દિવાળીના પર્વ નિમિત્તે લોકો ખરીદી કરવા માટે બજારોમાં ઉમટી પડે છે અને અનેક પરિવારો પ્રવાસે જતા હોય છે, જેના કારણે ઘરફોડ ચોરી અને ગુનાખોરીનું જોખમ વધી જાય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસ વહીવટી તંત્ર દ્વારા વ્યાપક સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે. ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરના મુખ્ય બજારો, સોશિંગ સેન્ટરો, આંગડિયા પેઢીઓ અને જ્વેલરી માર્કેટમાં પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, શહેરમાં અસામાજિક તત્વો પર બાજ નજર રાખવા અને સુરક્ષાનું સ્તર વધારવા માટે સ્થાનિક સોસાયટીઓ તેમજ ખાનગી સીસીટીવી કેમેરાનું એક્સેસ પણ પોલીસ દ્વારા મેળવવામાં આવી રહ્યું છે, જેથી દરેક ગતિવિધિ પર સતત નજર રાખી શકાય.
તહેવારો દરમિયાન નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસે કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકાઓ અને અપીલ પણ જારી કરી છે. લાંબા પ્રવાસે કે બહારગામ જતી વખતે નાગરિકોએ તેમના મકાનોને સુરક્ષિત તાળા મારીને પડોશીઓ કે વિશ્વાસપાત્ર વ્યક્તિઓને તેની જાણ અવશ્ય કરવી જોઈએ. ઘરમાં સોના-ચાંદીના કિંમતી દાગીના અને મોટી રોકડ રકમ રાખવાને બદલે તેને બેંકના લોકરમાં સુરક્ષિત રાખવાનું હિતાવહ છે. સાથે જ, સોશિયલ મીડિયા પર પ્રવાસ દરમિયાન અગાઉથી લાઈવ લોકેશન કે ફોટા-વીડિયો અપલોડ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે તે ચોરો માટે નિમંત્રણ સમાન સાબિત થઈ શકે છે.
વર્તમાન સમયમાં સાયબર ઠગો દ્વારા આચરવામાં આવતી નવી ઑનલાઇન છેતરપિંડીઓથી બચવા માટે પણ વિશેષ જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ડીસીપી જગદીશ બાંગરવાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કાયદાકીય પ્રક્રિયામાં 'ડિજિટલ અરેસ્ટ' જેવું કોઈ પ્રાવધાન કે કાયદો હોતો જ નથી. સાયબર ક્રિમિનલ્સ દ્વારા વિડીયો કોલ કે ધમકીઓ આપીને ડિજિટલ અરેસ્ટના નામે નાગરિકો પાસેથી નાણાં પડાવવાના કાવતરાં રચવામાં આવે છે. જો કોઈ નાગરિકને આવા શંકાસ્પદ ફોન કૉલ કે ધમકી મળે, તો જરાય ગભરાયા વગર તુરંત જ પોલીસનો સંપર્ક કરવો જોઈએ જેથી મોટી ઠગાઈથી બચી શકાય.
