રાજ્યભરમાં ગરીબ અને અસહાય ખેડૂતોને ઊંચા વ્યાજે નાણાં ફસાવીને તેમની કિંમતી જમીનો પચાવી પાડનાર કુખ્યાત ભૂ-માફિયા અલ્પેશ દોંગા વિરુદ્ધ હવે કાનૂની સંકંજો વધુ મજબૂત બની રહ્યો છે. આ સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા અને તેના ગુનાહિત સામ્રાજ્યનો પર્દાફાશ કરવા માટે ક્રાઈમ બ્રાંચ દ્વારા અદાલતમાં આરોપીના નાર્કો અને બ્રેઈન મેપિંગ ટેસ્ટ માટે વિશેષ અરજી કરવામાં આવી હતી. અદાલતે આ અરજીને મંજૂર કરી છે, જે પોલીસ તપાસ માટે એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. આ વૈજ્ઞાનિક તપાસના માધ્યમથી પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરશે કે આ વિશાળ કૌભાંડ પાછળ અલ્પેશને કયા કયા પ્રભાવશાળી લોકો મદદ કરી રહ્યા હતા અને તેણે ગેરકાયદેસર રીતે મેળવેલા નાણાં ક્યાં ક્યાં રોક્યા છે.
આ કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહેલી ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ સી.બી. જાડેજા અને તેમની કુશળ ટીમ હવે અલ્પેશ દોંગાને લઈને ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ખાતે તપાસનો ધમધમાટ શરૂ કરશે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ આ અત્યાધુનિક અને મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પોલીસ વિભાગને પૂરી આશા છે કે આ ટેસ્ટના ચોંકાવનારા પરિણામો સામે આવવાથી માત્ર અલ્પેશ જ નહીં, પરંતુ તેની સાથે જોડાયેલા સમગ્ર ગેંગ અને નેટવર્કનો સફાયો કરવામાં મોટી મદદ મળશે. લાંબા સમયથી ભયના સાાાયમાં જીવતા પીડિતો માટે આ કાયદાકીય પગલું ન્યાય તરફનું એક નક્કર પ્રયાણ સાબિત થશે.
અત્યાર સુધીની આ સમગ્ર તપાસ અને કડક કાર્યવાહી રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર અને તેમની ખાસ ટીમે પાર પાડી છે. અગાઉ આ સક્રિય એસઆઈટી દ્વારા અનેક ગુનાઓ દાખલ કરીને આશરે ૧૦૦ કરોડ રૂપિયાની કિંમતની ૫૦૦ વીઘા જેટલી જમીન કાયદેસર રીતે હક્કદાર ખેડૂતોને પરત અપાવવામાં આવી હતી. ત્યારબાદ જામનગર પંથક અને અન્ય વિસ્તારોના ખેડૂતો પણ આ શોષણનો ભોગ બન્યા હોવાનું સામે આવતા રેન્જ આઈજી દ્વારા બીજી એસઆઈટીની રચના કરવામાં આવી હતી. અલ્પેશ અને તેની ગેંગના ડરથી ચૂપ રહેલા અસંખ્ય લોકો હવે પોલીસની આ ક્રાંતિકારી અને નિષ્ઠાવાન કામગીરીને કારણે ખુલીને બહાર આવી રહ્યા છે, જેનાથી ગુનેગારોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
