વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ગુજરાત મુલાકાતના બીજા દિવસે બનાસકાંઠાના ભીલડી ખાતે એક વિશાળ અને ઐતિહાસિક 'ખાટલા સભા'નું સંચાલન કર્યું હતું, જે ગુજરાતના રાજકીય ઈતિહાસમાં પ્રથમવાર જોવા મળ્યું હતું. ભીલડીમાં ભવ્ય રોડ શો બાદ વડાપ્રધાને પશુપાલક બહેનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને ત્યારબાદ જંગી જનસભાને સંબોધિત કરી હતી. આ અવસરે તેમણે ભૂતકાળના સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે અગાઉ અહી વીજળી અને પાણીની ગંભીર સમસ્યા હતી, પરંતુ જનતાના સહયોગથી આજે તે માત્ર યાદ બની રહી છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે પચાસ વર્ષ પહેલાંની જેમ જ આજે પણ પાણી અને વીજળીના એકસમાન સંરક્ષણ પર વિશેષ ભાર મૂક્યો હતો અને નાગરિકોને કુદરતી સંસાધનોના કરકસરયુક્ત ઉપયોગ માટે પ્રેરિત કર્યા હતા.
આ સભા દરમિયાન વડાપ્રધાને નર્મદાના નીર અને ટપક સિંચાઈ જેવી આધુનિક ટેકનોલોજીએ બનાસકાંઠાની કાયાપલટ કરી હોવાનું ગર્વભેર જણાવ્યું હતું. આજે બનાસકાંઠાના બટાટા વૈશ્વિક સ્તરે પ્રખ્યાત થયા છે અને બનાસ ડેરીનું સહકારી મોડેલ કાશી સહિત સમગ્ર દેશમાં પ્રેરણારૂપ બની રહ્યું છે. ફ્રેન્ચ ફ્રાઈઝ પ્લાન્ટની ક્ષમતા વધારવા અને ફળ-શાકભાજી માટે નવા ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ મંજૂર કરવાથી ખેડૂતોની આવકમાં મોટો વધારો થશે તેમ તેમણે ઉમેર્યું હતું. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધો અને કટોકટી વચ્ચે કેટલાક તત્વો દ્વારા ખેડૂતોમાં ખાતરની અછત અને બહેનોમાં રાંધણ ગેસને લઈને ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે તેની આકરી ટીકા કરતા વડાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે ગમે તેવી વૈશ્વિક મોંઘવારી વચ્ચે પણ સરકાર ખેડૂતોને સસ્તી કિંમતે ખાતર પૂરું પાડવાનું ચાલુ રાખશે.
પોતાના સંબોધનના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના અન્નદાતાઓને આશ્વર્યજનક આંકડાઓ આપતા જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં જે યુરિયાની થેલીની કિંમત ત્રણ હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે, તે ભારતીય ખેડૂતોને માત્ર 300 રૂપિયાથી ઓછા ભાવે મળી રહી છે અને ડીએપી પણ સસ્તા દરે ઉપલબ્ધ કરાવાઈ રહી છે જેથી ખેડૂત આર્થિક રીતે સશક્ત બને. દેશના વિકાસના સંકલ્પને દોહરાવતા તેમણે વિપક્ષો અને અફવાઓ ફેલાવનારાઓ પર પ્રહાર કર્યા હતા અને અંતમાં અત્યંત ભાવુક થઈને કહ્યું હતું કે, જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે અને હું જીવીશ, ત્યાં સુધી દેશ અને બનાસકાંઠાની જનતાની સેવામાં જ સમર્પિત રહીશ.
