JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

સરકારના વિવાદાસ્પદ કાયદા સામે 17 હજાર શાળા સંચાલકો લડતના મૂડમાં, શાળાઓ બંધ રાખવાની ચીમકી

Oct 30, 2026 | 10:51 | By JAMNAGAR MIRROR
સરકારના વિવાદાસ્પદ કાયદા સામે 17 હજાર શાળા સંચાલકો લડતના મૂડમાં, શાળાઓ બંધ રાખવાની ચીમકી
ગુજરાતમાં એફઆરસી અને શિક્ષણ સુધારા વિધેયક સામે ખાનગી શાળા સંચાલકોએ મોરચો ખોલ્યો છે. સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં માંગણીઓ નહીં સંતોષાય તો આગામી 9 અને 10 ડિસેમ્બરે રાજ્યભરની શાળાઓ બંધ રાખવાની ઉગ્ર ચેતવણી આપવામાં આવી છે.

રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે મળેલી સૌરાષ્ટ્ર ઝોનની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્ય સરકાર સામે સીધી લડાઈનું રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે. આ બેઠકમાં સૌરાષ્ટ્રભરના આશરે 10 જેટલા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખાનગી શાળાના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલકોએ રાજ્ય સરકારના વિવાદાસ્પદ શિક્ષણ સુધારા વિધેયક અને ફી નિયમન સમિતિ (FRC) ના કાયદાઓ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. માત્ર નોટિસ કે વાટાઘાટોથી પ્રશ્નો ઉકેલાવાના બદલે હવે સીધી લડાઈ લડવાનો નિર્ધાર વ્યક્ત કરીને સંચાલકોએ સરકારની શૈક્ષણિક નીતિઓ સામે અસહકારનું આંદોલન છેડવાની જાહેરાત કરી છે.

રાજ્યભરના આશરે 17,000 જેટલા ખાનગી શાળા સંચાલકો હાલ સરકાર સામે બાંયો ચડાવીને મેદાને પડ્યા છે. સંચાલકો દ્વારા પોતાની વિવિધ પાંચ મુખ્ય માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી છે, જેનો સમયસર યોગ્ય ઉકેલ લાવવા માટે તાકીદ કરવામાં આવી છે. આ આંદોલનની આગામી રણનીતિના ભાગરૂપે દિવાળીના તહેવારોની પૂર્ણાહુતિ બાદ ગાંધીનગર ખાતે જઈને સરકાર સમક્ષ સામૂહિક રજૂઆતો કરવામાં આવશે. જો સરકાર આ મામલે યોગ્ય અને સકારાત્મક અભિગમ નહીં અપનાવે, તો આ વિવાદ વધુ ઉગ્ર બને તેવી પૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે.

જો નિર્ધારિત સમયમર્યાદામાં સંચાલકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, તો આગામી 9 અને 10 ડિસેમ્બરના રોજ રાજ્યભરની શાળાઓ સંપૂર્ણપણે બંધ રાખવાની કડક ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સંચાલકોના આ આક્રમક અસહકાર આંદોલનને કારણે આગામી દિવસોમાં રાજ્યનો શૈક્ષણિક માહોલ ગરમાઈ શકે છે. શાળાઓ બંધ રહેવાની આ સ્થિતિ વચ્ચે સીધી કે આડકતરી રીતે વિદ્યાર્થીઓના અભ્યાસ અને ભવિષ્ય પર તેની માઠી અસર પડવાની દહેશત સેવાઈ રહી છે, જેના કારણે હાલ સમગ્ર રાજ્યની શૈક્ષણિક અને રાજકીય વર્તુળોની નજર સરકાર અને સંચાલકો વચ્ચેના આ ઘર્ષણ પર ટકી રહી છે.

LATEST ARTICLES