JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

વડાપ્રધાન મોદી આવતીકાલે કેવડિયાથી 426 કરોડના વિકાસ કાર્યોની ભેટ ધરશે

Oct 30, 2026 | 11:00 | By JAMNAGAR MIRROR
વડાપ્રધાન મોદી આવતીકાલે કેવડિયાથી 426 કરોડના વિકાસ કાર્યોની ભેટ ધરશે
સરદાર પટેલ જયંતી નિમિત્તે કેવડિયાની મુલાકાતે આવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ ખાતે સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આ અવસરે તેઓ રૂ. 426.71 કરોડના ખર્ચે નિર્માણ પામનારા કુલ 31 પ્રવાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવતીકાલની કેવડિયા મુલાકાતને લઈને એકતાનગરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે તેઓ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવી ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ ખાતે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીને વધુ યાદગાર બનાવવા માટે પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકો માટે અંદાજે રૂ. 426.71 કરોડના વિશાળ માળખાકીય અને પ્રવાસન પ્રોજેક્ટ્સની ભેટ ધરવામાં આવશે, જેનાથી કેવડિયાનો વૈશ્વિક પ્રવાસન નકશા પર દબદબો વધુ મજબૂત બનશે.

આ ભવ્ય વિકાસયત્રા અંતર્ગત રૂ. 307.83 કરોડના ખર્ચે તૈયાર થયેલા કુલ 23 જેટલા વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં પ્રવાસીઓને આકર્ષવા માટે રૂ. 50 કરોડના ખર્ચે અત્યાધુનિક IRCTC હોટલ, રૂ. 16 કરોડના ખર્ચે નવી એકતા ક્રૂઝ, રેઇન ફોરેસ્ટ અને ઇકો-ટ્રેઇલ જેવા આકર્ષણો ખુલ્લા મુકાશે. આ ઉપરાંત, પ્રવાસીઓની સગવડ માટે ટ્રાવેલેટર્સ, સુવેજ તથા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, કોલોની રોડ, સ્ટાફ ક્વાર્ટર્સ, આકર્ષક ફુવારાઓ, ગ્લો ગાર્ડનનું અપગ્રેડેશન અને પર્યાવરણને અનુકૂળ ઇલેક્ટ્રિક બસો જેવી અનેકવિધ સવલતો પ્રવાસીઓના અનુભવને અદ્ભુત બનાવશે.

માત્ર લોકાર્પણ જ નહીં, પરંતુ ભવિષ્યના વિકાસને વેગ આપવા માટે વડાપ્રધાનના હસ્તે રૂ. 118.88 કરોડના ખર્ચે થનારા અન્ય 8 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત પણ યોજાશે. આ નવા પ્રોજેક્ટ્સમાં ગોરા-ભાણદ્રા રોડ, ખલવાણી બ્રિજ, કેક્ટસ અને બટરફ્લાય ગાર્ડનનો એકીકૃત વિકાસ તેમજ વાઘડિયા રોડનું વિસ્તરણ મુખ્ય છે. સાથે જ, ડેમની સુરક્ષા માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને રૂ. 36.58 કરોડના ખર્ચે આધુનિક સ્માર્ટ ઝીરો વેસ્ટ ઇન્ટિગ્રેટેડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ જેવા મહત્વપૂર્ણ કાર્યોથી એકતાનગર સ્વચ્છતા અને સુરક્ષાના ક્ષેત્રે પણ એક નવો રાહ ચીંધશે.

LATEST ARTICLES