સુરત શહેર તેના સ્વાદ અને ખાસ કરીને ભજીયાના શોખીન તરીકે સમગ્ર રાજ્યમાં જાણીતું છે, પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા ગુરુવારે મળેલી સામાન્ય સભામાં જે પ્રકારે ભજીયાની મોંઘી મિજબાની યોજાઈ તેણે તમામ હદ વટાવી દીધી છે. દિવાળીના તહેવાર પૂર્વે મળેલી આ બેઠકમાં નગરસેવકો, ઉચ્ચ અધિકારીઓ અને અન્ય આમંત્રિત મહેમાનો માટે નાસ્તાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સામાન્ય રીતે બજારમાં સારામાં સારી ગુણવત્તાના ભજીયા સરેરાશ ૪૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે સરળતાથી મળી રહે છે, પરંતુ પાલિકા દ્વારા આશ્ચર્યજનક રીતે ૮૦૦ રૂપિયા પ્રતિ કિલોના મૂળ ભાવવાળા ભજીયાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ ભજીયામાં ઓળખાણ કે દબાણ વશ માત્ર ૫૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવીને તેને ૭૫૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદવામાં આવ્યા હતા, જેણે પાલિકાની નાણાકીય નીતિઓ સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ખડા કર્યા છે.
પાલિકાના આંતરિક વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ, પદાધિકારીઓની નવી ટર્મ શરૂ થયા બાદ નાસ્તા અને ખાણપીણની ચીજવસ્તુઓની ખરીદી બાબતે એક નવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. વર્ષોથી પાલિકા સાથે જોડાયેલા અને ભરોસાપાત્ર વેપારીઓને છોડીને હવે ખાસ માનીતા અને ચુનંદા વિક્રેતાઓ પાસેથી જ નાસ્તો મંગાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ જ મનમાનીનું પરિણામ છે કે જે વસ્તુ બજારમાં અડધા ભાવે ઉપલબ્ધ છે, તેના માટે પ્રજાના નાણાંમાંથી બમણાં ચૂકવવામાં આવ્યા છે. અંદાજે ૧૩૦ કિલો જેટલા ભજીયાના ઓર્ડરના કારણે માત્ર ભજીયાનું જ બિલ આશરે એક લાખ રૂપિયાની તોતિંગ રકમ સુધી પહોંચી ગયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જાહેર પદાધિકારીઓએ પ્રજાના પરસેવાની કમાણીના ટેક્સના પૈસા ખર્ચતી વખતે આર્થિક શિસ્ત અને કરકસરના સિદ્ધાંતોનેવેચીએ દીધા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે.
આ મોંઘી મિજબાનીમાં માત્ર ભજીયા જ નહીં, પરંતુ સુરતની પરંપરાગત અને શાન સમાન ગણાતી 'ઘારી' પણ વિશેષ રૂપે પીરસવામાં આવી હતી. દિવાળીના પર્વ નિમિત્તે સૂકા મેવાથી ભરપૂર અને અંદાજે ૯૦૦ રૂપિયા પ્રતિ કિલોની કિંમત ધરાવતી આ ઘારી પણ આશરે ૧૮ થી ૨૧ કિલો જેટલી આરોગવામાં આવી હતી. ઘારી તો તહેવારની મોસમ અનુસાર પરંપરાગત રીતે ખવાતી હોય છે અને તેનો બજાર ભાવ પણ તે મુજબ હોઈ શકે છે, પરંતુ ૪૦૦ રૂપિયા કિલો મળતા ભજીયાને બદલે ૮૦૦ રૂપિયાના ભાવના ભજીયા પસંદ કરવાનું કોઇ તાર્કિક કારણ સમજાતું નથી. જનપ્રતિનિધિઓ દ્વારા જ જાહેર નાણાંનો આ પ્રકારે મનસ્વી રીતે ધૂમાડો કરવામાં આવતા સુરત શહેરના જાગૃત નાગરિકો અને કરદાતાઓમાં ભારે રોષ અને આશ્ચર્યની લાગણી ફેલાઈ ગઈ છે.
