JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

યુએસના ઓરેગોન એરપોર્ટ પાસે બે હેલિકોપ્ટર હવામાં અથડાતાં ત્રણ લોકોના મોત

Oct 30, 2026 | 08:20 | By JAMNAGAR MIRROR
યુએસના ઓરેગોન એરપોર્ટ પાસે બે હેલિકોપ્ટર હવામાં અથડાતાં ત્રણ લોકોના મોત
અમેરિકાના ઓરેગોન રાજ્યમાં મેકમિન્વિલ મ્યુનિસિપલ એરપોર્ટ નજીક ગુરુવારે બપોરે બે હેલિકોપ્ટર હવામાં જ ભટકડાતા કરુણ અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં એક ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર અને બે પાયલટ સહિત કુલ ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.

યામહિલ કાઉન્ટી શેરીફ ઓફિસના જણાવ્યા અનુસાર, આ ગમખ્વાર અકસ્માત ગુરુવારે સ્થાનિક સમય અનુસાર બપોરે અંદાજે ૨:૧૫ વાગ્યે પોર્ટલેન્ડથી આશરે ૪૦ માઈલ દક્ષિણ-પશ્ચિમમાં આવેલા મેકમિન્વિલ મ્યુનિસિપલ એરપોર્ટની નજીક સર્જાયો હતો. બે હેલિકોપ્ટર હવામાં સામસામે અથડાતાની સાથે જ વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક કાયદો અને વ્યવસ્થા સંભાળતી એજન્સીઓ, ફાયર ફાઇટર્સ અને તબીબી કર્મચારીઓ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ગંભીર ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને તે વિસ્તારથી દૂર રહેવા અને બચાવ કામગીરીમાં સહકાર આપવા માટે વિશેષ અપીલ કરવામાં આવી હતી.

અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી પત્રકાર પરિષદમાં પ્રાપ્ત વિગતો મુજબ, આ દુર્ઘટનાનો ભોગ બનેલા હેલિકોપ્ટરો પૈકીના એક હેલિકોપ્ટરમાં બે વ્યક્તિઓ સવાર હતી, જેમાં ટેક્સાસના એક ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર અને યુનાઇટેડ કિંગ્ડમ (યુકે) ના એક સ્ટુડન્ટ પાયલટનો સમાવેશ થાય છે. જ્યારે બીજા હેલિકોપ્ટરમાં માત્ર એક જ ઓક્યુપન્ટ એટલે કે ઓરેગોનના ન્યુબર્ગના એક પાયલટ સવાર હતા. આ તમામ લોકોના આકસ્મિક મૃત્યુથી એવિએશન ક્ષેત્રમાં અને પીડિતોના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

આ ગંભીર હવાઈ અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા માટે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) દ્વારા સંયુક્ત રીતે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનામાં સામેલ એક હેલિકોપ્ટર 'જેરી ટ્રીમ્બલ હેલિકોપ્ટર્સ' નામની ફ્લાઇટ ટ્રેનિંગ સ્કૂલ અને પ્રાઈવેટ હેલિકોપ્ટર રેન્ટલ સર્વિસનું હોવાની પુષ્ટિ કંપની દ્વારા કરવામાં આવી છે. કંપનીએ એક શોક સંદેશ જારી કરીને મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને આ મુશ્કેલ સમયમાં તમામ પ્રભાવિત પરિવારો સાથે સહાનુભૂતિપૂર્વક ઉભા રહેવાની જાહેરાત કરી છે.

LATEST ARTICLES