JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

સિંગાપોરમાં કોવિડ-૧૯ પછીના સૌથી વધુ છટણીના આંકડા નોંધાયા, રોજગારીમાં પણ મિશ્ર વલણ

Oct 30, 2026 | 09:30 | By JAMNAGAR MIRROR
સિંગાપોરમાં કોવિડ-૧૯ પછીના સૌથી વધુ છટણીના આંકડા નોંધાયા, રોજગારીમાં પણ મિશ્ર વલણ
સિંગાપોરમાં બિઝનેસ રિઓર્ગેનાઇઝેશનને કારણે વર્ષ ૨૦૨૬ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં છટણીનો આંકડો વધીને ૪,૮00 પર પહોંચ્યો છે, જે કોવિડ મહામારી પછીનો સર્વોચ્ચ આંક છે. જોકે, આ દરમિયાન કુલ રોજગારીમાં પણ સંતોષકારક વધારો જોવા મળ્યો છે.

સિંગાપોરના મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના શ્રમ બજાર અહેવાલ મુજબ, જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાનના ત્રિમાસિક ગાળામાં નોકરીમાંથી છટણીનું પ્રમાણ વધીને ૪,૮૦૦ થયું છે, જે અગાઉના ક્વાર્ટરમાં ૪,૬૨૦ હતું. કોવિડ-૧૯ મહામારીના સમયગાળા દરમિયાન એટલે કે વર્ષ ૨૦૨૦ના ચોથા ત્રિમાસિક ગાળામાં ૫,૬૪૦ છટણી નોંધાઈ હતી, જે પછીનો આ સૌથી મોટો આંકડો છે. મુખ્યત્વે વૈશ્વિક સ્તરે સંકળાયેલા અને નિકાસ-લક્ષી ક્ષેત્રોમાં બિઝનેસના પુનર્ગઠનને કારણે આ સ્થિતિ ઉદ્ભવી છે, જેને કારણે આર્થિક મોરચે સાવચેતી રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે.

છટણીના વધતા પ્રમાણ વચ્ચે સિંગાપોરનો એકંદર બેરોજગારી દર સપ્ટેમ્બર ૨૦૨૬માં ૨.૦ ટકા પર યથાવત રહ્યો છે, પરંતુ સ્થાનિક નાગરિકો અને રહેવાસીઓમાં બેરોજગારી દર થોડો વધીને અનુક્રમે ૩.૧ ટકા અને ૩.૦ ટકા થયો છે. આગામી ત્રણ મહિનામાં કર્મચારીઓની છટણી કરવાની અપેક્ષા રાખતી કંપનીઓનું પ્રમાણ પણ ૨.૮ ટકાથી વધીને ૩.૧ ટકા થયું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, શ્રમ બજાર વિસ્તરી રહ્યું છે છતાં નોકરી છૂટવાના વધતા કિસ્સાઓ અર્થવ્યવસ્થાના અમુક ક્ષેત્રોમાં રહેલી નબળાઈઓ તરફ ઈશારો કરે છે, જેના પર નજીકથી નજર રાખવી અનિવાર્ય છે.

એક તરફ નોકરી જવાની ચિંતાઓ છે તો બીજી તરફ સિંગાપોરમાં કુલ રોજગારીના આંકડા રાહત આપનારા છે. ત્રીજા ત્રિમાસિક ગાળામાં કુલ રોજગારીમાં ૨૭,૭૦૦ નોકરીઓનો વધારો થયો છે, જે અગાઉના ક્વાર્ટરના ૧૧,૪૦૦ અને ગત વર્ષના સમાન સમયગાળાના ૨૫,૧૦૦ કરતા વધુ છે. નિષ્ણાતોના મતે, ભલે કેટલીક કંપનીઓ નવેસરથી ગોઠવણ કરી રહી હોય, પરંતુ એકંદર શ્રમ બજારમાં હજુ પણ નવા અવસરોનું સર્જન ચાલુ છે, જે સિંગાપોરની આર્થિક સ્થિતિસ્થાપકતા દર્શાવે છે.

LATEST ARTICLES