JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

ટેલર સ્વિફ્ટનું પરોપકારી સ્વરૂપ: વર્ષ ૨૦૧૦માં હેન્ડરસનવિલેના પૂરગ્રસ્ત પ્લેગ્રાઉન્ડના પુનઃનિર્માણ માટે આપ્યા હતા ૧ લાખ ડોલર

Oct 30, 2026 | 06:35 | By JAMNAGAR MIRROR
ટેલર સ્વિફ્ટનું પરોપકારી સ્વરૂપ: વર્ષ ૨૦૧૦માં હેન્ડરસનવિલેના પૂરગ્રસ્ત પ્લેગ્રાઉન્ડના પુનઃનિર્માણ માટે આપ્યા હતા ૧ લાખ ડોલર
પ્રખ્યાત ગાયિકા ટેલર સ્વિફ્ટે ૧૬ વર્ષ પહેલાં પૂરથી નષ્ટ થયેલા હેન્ડરસનવિલેના 'કિડ્સ કિંગડમ' પ્લેગ્રાઉન્ડના પુનઃનિર્માણમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. હાલમાં આ ઐતિહાસિક મેદાનને આધુનિક અને સર્વસમાવેશક બનાવવા માટે ૩ મિલિયન ડોલરની ગ્રાન્ટની વિચારણા ચાલી રહી છે.

અમેરિકન સંગીત જગતની સુપરસ્ટાર અને ૧૪ ગ્રેમી એવોર્ડ વિજેતા ટેલર સ્વિફ્ટ માત્ર તેના મધુર અવાજ અને ગીતો માટે જ નહીં, પરંતુ સામાજિક કાર્યો અને ઉદાર દાન માટે પણ હંમેશાં ચર્ચામાં રહે છે. વર્ષ ૨૦૧૦માં જ્યારે ટેનેસીના હેન્ડરસનવિલે શહેરમાં આવેલા લોકપ્રિય 'કિડ્સ કિંગડમ' પ્લેગ્રાઉન્ડ પર કુદરતી આફતનું સંકટ તોળાયું, ત્યારે આ પ્લેગ્રાઉન્ડને ફરી ધબકતું કરવા માટે સ્વિફ્ટે આગળ આવીને ૧,૦૦,૦૦૦ ડોલરનું ઉદાર યોગદાન આપ્યું હતું. આજે સોળ વર્ષ બાદ આ જ પ્લેગ્રાઉન્ડ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે, કારણ કે શહેર પ્રશાસન દ્વારા જાહેર રમતગમતની સુવિધાઓને વધુ વિકસિત કરવા માટે આ મેદાન પર નવેસરથી રોકાણ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.

વર્ષ ૧૯૯૬માં હેન્ડરસનવિલેના સ્થાનિક રહેવાસીઓ અને ૧,૫00 થી વધુ સ્વયંસેવકોના સામૂહિક પરિશ્રમથી આ પ્લેગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જ્યાં કિશોરાવસ્થામાં ટેલર સ્વિફ્ટ પણ રહી ચૂકી હતી. પરંતુ, મે ૧૦૧૦માં કમ્બરલેન્ડ નદીમાં આવેલા ભારે પૂર અને ૫૨ ફૂટ સુધી વધી ગયેલા પાણીના સ્તરને કારણે આ પ્લેગ્રાઉન્ડ ભારે ક્ષતિગ્રસ્ત બન્યું હતું અને બાળકો માટે જોખમી બની ગયું હતું. તે સમયે પ્લેગ્રાઉન્ડના પુનઃનિર્માણ માટે અંદાજે ૧,૭૫,૦૦૦ ડોલરની જરૂર હતી અને ભંડોળના અભાવે કામ અટકી પડવાની સંભાવના હતી. આ કપરા કાળમાં હેન્ડરસનવિલેની દીકરી ગણાતી ટેલર સ્વિફ્ટે તાત્કાલિક ૧,૦૦,૦૦૦ ડોલરનું દાન આપીને નાણાકીય ખાધ પૂરી કરી અને પ્લેગ્રાઉન્ડને નવજીવન બક્ષવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

હાલમાં હેન્ડરસનવિલેના અધિકારીઓ બ્લૂક્રૉસ બ્લૂશિલ્ડ ઓફ ટેનેસી હેલ્ધી પ્લેસ પ્રોગ્રામ અંતર્ગત અંદાજે ૩ મિલિયન ડોલરની ગ્રાન્ટ મેળવવાની દિશામાં આગળ વધી રહ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આ પ્લેગ્રાઉન્ડને તમામ ક્ષમતા ધરાવતા બાળકો માટે સર્વસમાવેશક બનાવવાનો છે. મૂળ કિલ્લાની થીમ, રંગબેરંગી સંરચનાઓ અને બાળકોની માટીની છાપ જેવી યાદોને સાચવી રાખનારું આ પ્લેગ્રાઉન્ડ આજે પણ સમુદાયની એકતા અને સેવાનું પ્રતિક છે. ટેલર સ્વિફ્ટનું ભૂતકાળનું આ દાન સાબિત કરે છે કે નાની કે મોટી સહાય માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી સુધારતી, પરંતુ આવનારી પેઢીઓ માટે એક સુંદર અને સુરક્ષિત સામુદાયિક જગ્યા પણ જાળવી રાખે છે.

LATEST ARTICLES