રાજસ્થાન સરહદેથી અમદાવાદ તરફ કાર મારફતે વિદેશી દારૂનો મોટો જથ્થો બિનકાયદેસર રીતે ઘુસાડવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ઊંઝા-મહેસાણા હાઇવે પર આવેલા જયવીર સી.એન.જી. પંપ સામે સઘન વોચ ગોઠવી હતી. દરમિયાન, શંકાસ્પદ જણાતી હ્યુન્ડાઇ વેન્યુ કારને પોલીસે રોકવાનો પ્રયાસ કરતા ચાલકે પોલીસને જોઈને કાર ભગાડવાની કોશિશ કરી હતી. જોકે, સતર્ક પોલીસ જવાનોએ સમય સૂચકતા વાપરીને ડ્રાઇવર સાઇડનો કાચ તોડી નાખીને કારને અટકાવી હતી અને તેમાં સવાર બે શખ્સોને ત્વરિત ઝડપી લીધા હતા.
પોલીસે પકડાયેલી સફેદ રંગની વેન્યુ કારની ઝીણવટભરી તપાસ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. કારના આગળ અને પાછળના ભાગે લગાવવામાં આવેલી નંબર પ્લેટ બોગસ હોવાનું ખુલ્યું હતું. 'ઈ-ગુજકોપ' પોર્ટલ પર એન્જિન અને ચેસિસ નંબરથી તપાસ કરતા વાહનનો અસલ નંબર અલગ જ હોવાનું સામે આવ્યું હતું એટલું જ નહીં, કારની અંદરથી અન્ય ચાર જેટલી બોગસ નંબર પ્લેટો પણ મળી આવી હતી. આ તમામ બાબતો પુરાવા તરીકે સ્પષ્ટ કરે છે કે આ કારનો ઉપયોગ અગાઉ પણ લાંબા સમયથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવા માટે જ થતો હતો. કારની પાછળની સીટ અને ડેકીમાંથી બિયરના ૬૪૮ ટીન તેમજ વ્હિસ્કી અને વોડકાની બોટલો મળી કુલ ૧,૩૦૮ નંગ બોટલ અને ટીન જપ્ત કરવામાં આવ્યા હતા, જેનો કુલ જથ્થો ૫૦૦.૪૦૦ લીટર જેટલો થાય છે.
પોલીસે આ રેડ દરમિયાન કુલ રૂ. ૩,૭૮,૫૬૪ ની કિંમતનો વિદેશી દારૂ અને રૂ. ૫,૦૦,૦૦૦ ની કિંમતની કાર મળી કુલ રૂ. ૮,૭૮,૫૬૪ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહેસાણા સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પકડાયેલા આરોપીઓ સાજીદ રફીક ઇસ્માઇલ મેમણ (રહે. જુહાપુરા, અમદાવાદ) અને અબ્દુલવસીમ અબ્દુલરહીમ શેખ (રહે. શાહપુર, અમદાવાદ) તેમજ આ નેટવર્ક સાથે સંકળાયેલા ગુલાબ ઉર્ફે વાસુ રામસિંહ વાઘેલા (રહે. દાંતીવાડા) અને રાજસ્થાનના મેથીપુરા દારૂના ઠેકાના મુનીમ સહિત કુલ ચાર શખ્સો સામે પ્રોહિબિશન અને બોગસ નંબર પ્લેટ બનાવવાનો ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
