દુનિયાના અનેક શક્તિશાળી દેશોમાં છેલ્લા કેટલાક દિવસોથી અચાનક હલચલ વધી ગઈ છે અને સરકારે તેમના નાગરિકોને એલર્ટ રહેવા કહી દીધું છે. બ્રિટન, ફ્રાંસ, જર્મની, અમેરિકા, કેનેડા, જાપાન અને નોર્વે જેવા દેશોએ પોતાના નાગરિકો માટે સ્પષ્ટ એડવાઈઝરી જારી કરીને ઘરમાં જ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા તૈયારી રાખવા કહ્યું છે. બ્રિટનમાં શહેરોમાં ખાવા-પીવાની ચીજો ખરીદવા માટે સ્ટોર્સ પર લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે, તો બીજી તરફ જાપાનમાં આગામી 2જી નવેમ્બરના રોજ એક નવી આપત્તિ વ્યવસ્થાપન એજન્સી પણ શરૂ થવા જઈ રહી છે. આ તમામ દેશોમાં અચાનક આ પ્રકારની ગતિવિધિઓ વધી જવાથી સામાન્ય લોકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ તમામ તૈયારીઓ પાછળ અલગ-અલગ અને મોટા કારણો છુપાયેલા છે. બ્રિટનમાં સાયબર હુમલાઓ અને AI ના ખતરાને લઈને ચિંતા વધી છે, જેથી ત્યાં 'Be Ready' અભિયાન ચલાવાઈ રહ્યું છે અને લોકોને 3 દિવસ ચાલે એટલું પાણી, પેકિંગ ફુડ, રોકડ રકમ અને ટોર્ચ સાથે રાખવા કહેવાયું છે. જાપાનમાં નાનકાઈ ટ્રફ અને માઉન્ટ ફૂઝીના જ્વાળામુખી જેવા મોટા ભૂકંપ અને કુદરતી આપદાઓની અગમચેતીના ભાગરૂપે નાગરિકોને 3 થી 5 દિવસ કે એક સપ્તાહ સુધી ચાલે તેટલો જથ્થો તૈયાર રાખવા સૂચના અપાઈ છે. તો બીજી તરફ અમેરિકી સંરક્ષણ વિભાગ એટલે કે પેન્ટાગોને દેશના સૈન્ય મથકો માટે 'FORTRESS' નામની યોજના બનાવી છે, જેના હેઠળ બેઝ કોઈપણ બાહ્ય પુરવઠા વિના ઓછામાં ઓછા 90 દિવસ સુધી પોતાની વીજળી અને પાણીની વ્યવસ્થા સાથે ચાલી શકે. આ ઉપરાંત, જર્મનીમાં 18 વર્ષના યુવકો માટે મિલિટ્રી સર્વિસની પ્રશ્નાવલી ફરજિયાત કરાઈ છે અને નોર્વેએ 'સંકટ અને યુદ્ધ માટે તૈયારી'નું અભિયાન છેડ્યું છે.
વિશ્વભરમાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ, યુદ્ધના જોખમો, સાયબર હુમલાઓ અને આબોહવા પરિવર્તનને કારણે વધતી કુદરતી આપત્તિઓને ધ્યાનમાં રાખીને આ પગલાં લેવામાં આવી રહ્યા છે. યુરોપિયન કમિશને પણ માર્ચ 2025 માં 'પ્રિપેર્ડનેસ યુનિયન સ્ટ્રેટેજી' જાહેર કરી હતી, જેનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે જો અચાનક કોઈ કટોકટી સર્જાય અને સરકારી મદદ કે આપત્તિ સેવાઓ સમયસર ઉપલબ્ધ ન થાય, તો પણ પરિવારો ઓછામાં ઓછા થોડા દિવસો સુધી પોતાની સંભાળ જાતે રાખવા સક્ષમ બને. આ તમામ દેશોના સરકારી અધિકારીઓ લાંબા સમય સુધી ન બગડે તેવું અનાજ, પીવાનું પાણી, જરૂરી દવાઓ, પાવર બેંક, બેટરી અને ફ્લેશલાઇટ જેવી ચીજવસ્તુઓનો સ્ટોક અગાઉથી જ ઘરમાં ભરી રાખવા પર ભાર મૂકી રહ્યા છે.
