દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે ખાનગી વીજ કંપનીની મનમાની સામે હવે ગ્રામજનો ખુલ્લેઆમ મેદાને આવ્યા છે. ગામની કિંમતી ગૌચર જમીન તથા સિંચાઈના તળાવમાંથી કોઈપણ પ્રકારની સત્તાવાર મંજૂરી વગર જ વીજ લાઈન નાખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ એકત્ર થઈને આ ગેરકાયદે કામગીરી સામે મોરચો ખોલ્યો છે અને મૂંગા પશુઓ માટેના ગૌચરને બચાવવા માટે લડાઈ શરૂ કરી દીધી છે.
આ ગંભીર મુદ્દાને લઈને ભાડથર ગામની ગૌશાળા ખાતે આશરે 300 જેટલા ગ્રામજનોની એક વિશાળ બેઠક મળી હતી, જેમાં ગ્રામલોકોએ ગૌચરની જમીનને કોઈપણ ભોગે બચાવવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. ગ્રામજનોનો મુખ્ય આક્ષેપ છે કે ગ્રામ પંચાયત દ્વારા ગામના લોકોને વિશ્વાસમાં લીધા વિના જ ગુપ્ત રીતે એનઓસી આપી દેવામાં આવી છે અને વીજ કંપની પાસે આ કામ માટે કોઈ દસ્તાવેજી મંજૂરી પણ ઉપલબ્ધ નથી. વિરોધને પગલે રોષે ભરાયેલા લોકો તાત્કાલિક કામગીરીના સ્થળે દોડી ગયા હતા અને વીજ લાઈન નાખવાનું કામ બંધ કરાવીને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન કંપનીના કોઈ કોન્ટ્રાક્ટર કે જવાબદાર અધિકારીઓ સ્થળ પર હાજર ન રહેતા ગ્રામજનોનો રોષ વધુ ભડક્યો હતો. ગ્રામજનોએ તંત્રને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો ગૌચર જમીન પર ચાલતી આ કામગીરી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર ઉપવાસ આંદોલન કરવામાં આવશે.
