ભારતમાં સ્ટાર્ટઅપ કલ્ચર હવે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે અને તેનો તાજેતરનો દાખલો ઝેટવર્ક કંપનીના ફાઉન્ડર અને સીઈઓ અમૃત આચાર્યની સફર છે. જ્યારે અમૃત આચાર્યે વિદેશની શાનદાર નોકરી છોડીને ભારતમાં જ કંઈક મોટું કરવાનું નક્કી કર્યું, ત્યારે તેમના પ્રોફેસર પિતા આ વાતથી બિલકુલ ખુશ નહોતા. સામાન્ય રીતે ભારતીય પરિવારોમાં વિદેશ જઈને સ્થાયી થવાનું જે સ્વપ્ન હોય છે, અમૃત તેનાથી વિપરીત રસ્તે ચાલ્યા હતા. નાની ટાઉનમાંથી આવતા અને કોઈ મોટા પારિવારિક બેકગ્રાઉન્ડ વગરના આ યુવાનોએ માત્ર 1 દાયકાની અંદર જ કંપનીને ગ્લોબલ લેવલ સુધી પહોંચાડી દીધી છે અને હવે તેને પબ્લિક લિસ્ટિંગ એટલે કે શેરબજારમાં પણ ઉતારી દીધી છે.
29 વર્ષની ઉંમરે શરૂ થયેલી આ કંપની આજે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મોટું નામ બની ગઈ છે. શુક્રવાર, ઓક્ટોબર 23ના રોજ ઝેટવર્ક કંપનીના શેરે સ્ટોક એક્સચેન્જમાં એન્ટ્રી કરી હતી, જ્યાં આઈપીઓ પ્રાઇઝ 151 સામે શેર 159 પર લિસ્ટ થયો હતો. કંપનીનું ઓપરેશનલ રેવન્યુ વધીને FY26 માં 15,913 કરોડ રૂપિયા પહોંચી ગયું છે, જ્યારે જૂન ક્વાર્ટરમાં રેવન્યુ 55 ટકા વધીને 4,118 કરોડ રૂપિયા નોંધાયું છે. જોકે, બંધ થયેલા સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસના કારણે કંપનીને 733 કરોડ રૂપિયાનું નેટ લોસ પણ થયું છે, જેને બાદ કરતાં અસલી લોસ 64 કરોડ રૂપિયા છે. આ આઈપીઓ દ્વારા એકત્ર કરાયેલા અંદાજે 2,160 કરોડ રૂપિયામાંથી 1,300 કરોડ અને 860 કરોડ રૂપિયા અલગ-અલગ લોનની ચૂકવણી તેમજ કંપનીના વિકાસ માટે વાપરવામાં આવશે.
ઝેટવર્ક કંપની વર્ષ 2017થી ટેક્નોલોજી આધારિત પ્લેટફોર્મ ચલાવે છે, જે ઇલેક્ટ્રોનિક્સ, રિન્યુએબલ એનર્જી, એરોસ્પેસ, ડિફેન્સ અને એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં ગ્રાહકોને પ્રોડક્ટ્સ પૂરી પાડે છે. કોફી મશીનથી લઈને મેટ્રો અને ફ્લાઇટ્સ સુધીની અનેક ચીજોમાં આજે આ કંપનીની ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. આઈપીઓ લિસ્ટિંગના દિવસે જ્યારે અમૃત આચાર્ય નેશનલ સ્ટોક એક્સચેન્જમાં બેલ વગાડી રહ્યા હતા, ત્યારે તેમના પિતા તેમની પડખે જ ઊભા હતા અને તેમની જૂની નારાજગી હવે ગર્વમાં બદલાઈ ચૂકી હતી. કંપની પાસે અત્યારે 15,900 કરોડથી વધુનું રેવન્યુ, 80 ટકાથી વધુ રિપીટ ગ્રાહકો અને 13,000 કરોડ રૂપિયાનું ઓર્ડર બુક છે, જે ભવિષ્યમાં આ કંપનીને વધુ ઊંચાઈઓ પર લઈ જવા માટે તૈયાર છે.
