ગુજરાતમાં ખેતી બાદ હવે પશુપાલન ક્ષેત્રે પણ ક્રાંતિ લાવવાની દિશામાં એક મોટું પગલું ભરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે બનાસકાંઠાના ભીલડી ખાતે પશુપાલકો માટે અત્યાધુનિક પશુ સંવર્ધન કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીના હસ્તે ₹407.56 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે, જેમાં આ નવું પશુ સંવર્ધન કેન્દ્ર મુખ્ય આકર્ષણ રહેશે. આ પ્રોજેક્ટ પશુપાલકોની આવક વધારવા અને દૂધ ઉત્પાદનને નવી ઊંચાઈએ લઈ જવામાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે તેવો પૂરો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
આ સમગ્ર પ્રોજેક્ટ પાછળનું વિઝન સમજાવતા બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, આ વડાપ્રધાન મોદીનું સ્વપ્ન હતું. અગાઉ બ્રાઝિલના ઉપરાષ્ટ્રપતિની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં બ્રાઝિલની સફળતા જોઈને ટકોર કરવામાં આવી હતી કે જો તેઓ પશુપાલનમાં આટલી ક્રાંતિ કરી શકે તો ભારત કેમ નહીં? બસ ત્યારથી જ લેબથી લઈને સીધા જમીન સુધી આ ટેકનોલોજી પહોંચાડવાની કવાયત શરૂ થઈ હતી. આશરે 127 એકર જમીનમાં ₹324.77 કરોડના ખર્ચે આ ભવ્ય કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે, જે આધુનિક વિજ્ઞાન અને પશુપાલનનો ઉત્તમ સમન્વય છે.
આ કેન્દ્રમાં ખાસ કરીને IVF ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેનો સૌથી મોટો ફાયદો એ છે કે ઉત્તમ આનુવંશિક ગુણવત્તા ધરાવતી ગાયોની ઓલાદ ખૂબ જ ઝડપથી વધારી શકાશે. સામાન્ય રીતે એક ગાયમાંથી વર્ષે માત્ર 1 જ વાછરડું મળે છે, પરંતુ OPU-IVF અને એમ્બ્રયો ટ્રાન્સફર જેવી આધુનિક ટેસ્ટટ્યૂબ પદ્ધતિ દ્વારા શ્રેષ્ઠ ગાયમાંથી વર્ષે આશરે 10 થી 20 ગર્ભ મેળવીને લેબમાં પ્રોસેસ કરી બીજી ગાયોમાં મૂકવામાં આવશે. આ અત્યાધુનિક પ્રક્રિયાથી જન્મેલી ગાયોની નવી ઓલાદ ખૂબ જ વધુ દૂધ આપશે, જેનાથી ભવિષ્યમાં પશુપાલન વ્યવસાય સંપૂર્ણપણે બદલાઈ જશે.
