જામનગરના કાલાવડ નાકા પાસે આવેલા પાંચ હાટડી વિસ્તારમાં ખાણી-પીણીને લઈને એક ચિંતાજનક બનાવ સામે આવ્યો છે. અહીં આવેલા એક જાણીતા નોનવેજ રેસ્ટોરન્ટમાં ભોજન આરોગ્યા બાદ અચાનક જ ગ્રાહકોની તબિયત બગડવા લાગી હતી. સ્વાદના શોખીન આશરે 20 જેટલા લોકોને પેટમાં દુખાવો, ઉલટી અને ચક્કર જેવી ફરિયાદો થતા દોડધામ મચી ગઈ હતી. તબિયત વધારે લથડતા આ તમામ લોકોને તાત્કાલિક અસરથી સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની ડોક્ટરની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે.
બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાની ફૂડ શાખાની ટીમ પણ હરકતમાં આવી ગઈ છે. ઘટનાના બે-ત્રણ દિવસ વીતી ગયા બાદ ફૂડ વિભાગના અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને દર્દીઓની સ્થિતિની માહિતી મેળવી હતી. જો દર્દીઓ કે તેમના સ્વજનો તરફથી કોઈ સત્તાવાર નિવેદન કે વિગતો મળશે, તો તેને આધારે તંત્ર દ્વારા સીધા સબંધિત રેસ્ટોરન્ટ પર સઘન તપાસ હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. બહારનું ખાતી વખતે ફૂડ સેફ્ટી અને સ્વચ્છતાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.
આ પ્રકારે ખાણી-પીણીની ચીજવસ્તુઓમાં થતી બેદરકારી આમ જનતાના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં સમાન છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મોટાભાગના લોકોની હાલત હાલ સ્થિર હોવાનું કહેવાય છે, પરંતુ આ ઘટનાએ ખાણી-પીણીના વેપારીઓ અને સ્થાનિક તંત્રની કામગીરી સામે મોટો રોષ પેદા કર્યો છે. આગામી સમયમાં ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ચાલતી આવી હોટલો અને રેસ્ટોરન્ટ્સની ચકાસણી માટે કોઈ વિશેષ ડ્રાઈવ યોજવામાં આવે તેવી લોકમાગ ઉઠી રહી છે, જેથી ભવિષ્યમાં આવા ગંભીર બનાવો અટકી શકે.
