રાજકોટ શહેરમાં સામાન્ય જાનમાલ સાથે ચેડાં કરતા ગેસ સિલિન્ડરના ગેરકાયદેસર ધંધા સામે સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીની ટીમે લાલ આંખ કરી છે. ભક્તિનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા આહિર ચોક નજીક એકાએક દરોડો પાડીને ગેસના મોટા પાયે ચાલી રહેલા રીફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગીચ વસ્તીવાળા વિસ્તારમાં કોઈપણ જાતની સુરક્ષા કે સાવચેતી વગર લાંબા સમયથી આ જોખમી ખેલ ખેલાઈ રહ્યો હતો, જેને પગલે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આા દરોડા દરમિયાન એસએમસીની ટીમે સ્થળ પરથી 250થી પણ વધુ નાના-મોટા ગેસના બાટલાઓનો મોટો જથ્થો કબ્જે કર્યો છે. જેમાં ખાલી સિલિન્ડરોની સાથેસાથે ગેરકાયદેસર રીતે ભરેલા બાટલાઓ પણ મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે અહીંથી ગેસના બાટલાઓની સંગ્રહખોરી કરીને ગ્રાહકોને ઊંચા ભાવે વેચવામાં આવતા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ગેસ રીફિલિંગ માટે વપરાતા ડિજિટલ વજન કાંટા, હાઇ-પ્રેશર મોટર અને અન્ય ઇલેક્ટ્રિક સાધનો સહિતનો લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા 3 થી 4 શંકાસ્પદ ઈસમોની એસએમસી દ્વારા અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કૌભાંડ પાછળ કઈ ગેસ એજન્સીઓ કે અન્ય મોટા માથાઓનો હાથ છે તે અંગે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ખુલ્લા વિસ્તારમાં કે ગીચ વસ્તી વચ્ચે ચાલતા આવા ગોડાઉનો આગામી સમયમાં કોઈ મોટી હોનારતનું કારણ બની શકે તેમ હોય, પોલીસે આ નેટવર્ક સાથે જોડાયેલા તમામ લોકો સામે કડક કાયદેસરના પગલાં લેવાની તજવીજ હાથ ધરી છે.
