નવી દિલ્હી ખાતે સુપ્રીમ કોર્ટની વિશેષ બેન્ચે કેરળમાં મતદાર યાદીના ખાસ સઘન પુનરાવર્તન (એસઆઈઆર) માટેની સમયમર્યાદા લંબાવવાની માગણી કરતી અરજી પર સુનાવણી કરતા સમયમર્યાદા વધારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે મતદાર યાદીમાં સુધારા અને નામ ઉમેરવાની પ્રક્રિયા સતત ચાલતી હોવાથી સમયમર્યાદા વધારવાની કોઈ આવશ્યકતા નથી. સુનાવણી દરમિયાન અરજદારોના વકીલે રજૂઆત કરી હતી કે સમયના અભાવે અનેક નાગરિકો નિર્ધારિત સમયમર્યાદામાં તેમના ગણતરી ફોર્મ ભરી શક્યા નથી, જેના કારણે મોટી સંખ્યામાં લોકો મતદાર યાદીમાંથી બાકી રહી જવાની સંભાવના છે.
આ માંભલે મુખ્ય ન્યાયાધીશ સૂર્ય કાંત અને અન્ય ન્યાયાધીશોની બનેલી બેન્ચે અરજદારોને રાહતરૂપ માર્ગ સૂચવતા કહ્યું કે, જે લોકો સમયમર્યાદામાં ફોર્મ નથી ભરી શક્યા તેવા અસરગ્રસ્ત વ્યક્તિઓની વિગતો એકત્ર કરીને ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી શકાય છે. અદાલતે ચૂંટણી પંચને આ પ્રકારની રજૂઆતોની ગંભીરતાથી ચકાસણી કરવા અને આગામી ચાર અઠવાડિયાની અંદર સમગ્ર મામલે પોતાનો અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી પંચ તરફથી ઉપસ્થિત વકીલે પણ સ્પષ્ટ કર્યું હતું કે જો કોઈ પાત્ર વ્યક્તિ ફોર્મ ભરવાથી વંચિત રહી ગઈ હોય, તો તે નિર્ધારિત પ્રક્રિયા મુજબ હજુ પણ સત્તાધિકારીઓનો સંપર્ક સાધી શકે છે.
સુપ્રીમ કોર્ટની આ સ્પષ્ટતાથી એ સ્પષ્ટ થાય છે કે ભલે સત્તાવાર મુદત પૂર્ણ થઈ ગઈ હોય, પરંતુ લોકશાહીમાં કોઈ પણ નાગરિક તેના મતાધિકારથી વંચિત ન રહે તે માટે કાયદાકીય અને પ્રશાસકીય સ્તરે અવકાશ ખુલ્લો છે. દેશભરના વિવિધ રાજ્યોમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવતી મતદાર યાદીની પુનરાવર્તન પ્રક્રિયા સામેની અરજીઓની સુનાવણીના ભાગરૂપે આ આદેશ આપ્યો છે. કોર્ટના આ હસ્તક્ષેપથી જે મતદારો તકની અછત કારણે પાછળ રહી ગયા હતા તેમને ન્યાય મળવાની આશા બંધાઈ છે અને ચૂંટણી પંચ પણ આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરવા માટે કટિબદ્ધ બન્યું છે.
