સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી મળવાને બદલે ગંદું અને પીળા રંગનું પાણી મળી રહ્યું છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે સક્રિય પગલાં લેવાને બદલે અડાજણ વોર્ડ નંબર ૧૦નાં ભાજપનાં મહિલા કોર્પોરેટર ઉર્વશી પટેલે સોશિયલ મીડિયા પર એક એવું નિવેદન આપ્યું જેનાથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં આશ્ચર્ય ફેલાઈ ગયું. તેમણે પાણીની આ સમસ્યા પાછળ કોઈ વહીવટી નિષ્ફળતા નહીં પરંતુ 'અલ નીનો' (El Niño) ની અસરને જવાબદાર ઠેરવી હતી, અને નદીના પાણી સૂકાઈ ગયાનું અજીબોગરીબ કારણ આપ્યું હતું. પ્રજાના સ્વાસ્થ્ય સાથે સીધા જોડાયેલા આ સળગતા પ્રશ્ને કુદરતી પરિબળોનું ઓાઢણું ઓઢીને જવાબદારીમાંથી છટકબારી શોધવાના પ્રયાસ તરીકે જોવામાં આવ્યું હતું.
આ વિવાદિત નિવેદનને કારણે સોશિયલ મીડિયા પર કોર્પોરેટર વિરુદ્ધ ટીકાઓનો ધોધ વછૂટ્યો હતો અને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. હજુ આ વિવાદ શમ્યો પણ નહોતો ત્યાં જ કોર્પોરેટર ઉર્વશી પટેલે પરિસ્થિતિની ગંભીરતા સમજવાને બદલે વધુ એક બેજવાબદાર પોસ્ટ મૂકીને મામલાને વધુ ગરમાવ્યો હતો. આ નવી પોસ્ટમાં તેમણે ઉત્સાહપૂર્વક લખ્યું હતું કે, "મિત્રો 1 દિવસમાં 322 ફોલોઅર્સ વધી ગયા." આ પ્રકારની અપાયેલી પ્રતિક્રિયા જોઈને નાગરિકો દંગ રહી ગયા હતા અને સોશિયલ મીડિયા પર ફરી એકવાર ભારે ચર્ચાઓ અને ટીકાઓનું મોજું ફરી વળ્યું હતું. એક જનપ્રતિનિધિ તરફથી આવી સંવેદનહીન વર્તણૂક લોકશાહીમાં તેમની ગંભીરતા પર મોટો સવાલ ઊભો કરે છે.
જ્યારે સામાન્ય પ્રજા પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા અને આરોગ્યના પ્રશ્નોથી ત્રસ્ત હોય, ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી જવાબદારીપૂર્વક કામ કરવાની અને સમસ્યાના કાયમી ઉકેલ લાવવાની અપેક્ષા રાખવામાં આવે છે. પરંતુ આ ઘટનામાં પ્રજાની વેદનાને નજરઅંદાજ કરીને સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા કે ફોલોઅર્સ વધારવાની ખુશી વ્યક્ત કરવી એ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. આ સમગ્ર ઘટનાક્રમે જનપ્રતિનિધિઓની સંવેદનશીલતા અને તેમની જવાબદારીઓ સામે અનેક ગંભીર પ્રશ્નાર્થો ખડા કરી દીધા છે, જેને લઈને શહેરમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.
