JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

ઉત્તર પ્રદેશમાં આગામી ૩૦ વર્ષ સુધી સપા સત્તા પર નહીં આવે, અમિત શાહનો દાવો

Oct 30, 2026 | 15:30 | By JAMNAGAR MIRROR
ઉત્તર પ્રદેશમાં આગામી ૩૦ વર્ષ સુધી સપા સત્તા પર નહીં આવે, અમિત શાહનો દાવો
લખનૌમાં ભાજપની રાજ્ય કાર્યકારિણીની બેઠકને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકાર અંગદના પગ જેવી અડગ છે અને સપા આગામી ત્રણ દાયકા સુધી સત્તાથી દૂર રહેશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લખનૌ સ્થિત ડૉ. રામ મનોહર લોહિયા નેશનલ લૉ યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં યોજાયેલી ભારતીય જનતા પાર્ટીની રાજ્ય કાર્યકારિણીની બેઠકમાં વિપક્ષી સમાજવાદી પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે સપા પર નિશાન સાધતા જણાવ્યું હતું કે જે પાર્ટીએ ભૂતકાળમાં રામ ભક્તો પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો, તેને ઉત્તર પ્રદેશની જનતા ક્યારેય માફ નહીં કરે. અખિલેશ યાદવને સંબોધતા શાહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેમની પાર્ટી આગામી ૩૦ વર્ષ સુધી રાજ્યમાં સત્તા પ્રાપ્ત નહીં કરી શકે અને સપાની આવનારી ત્રીજી પેઢી પણ જનતાના વિશ્વાસઘાતને નહીં ભૂલે.

વધુમાં, ગૃહમંત્રીએ ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકારની મજબૂતી દર્શાવવા માટે પૌરાણિક સંદર્ભ ટાંકતા કહ્યું કે રાજ્યની વર્તમાન ભાજપ સરકાર 'અંગદના પગ' સમાન છે, જેને કોઈ હચમચાવી કે ખસેડી શકી નથી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સમયમાં પણ પ્રદેશમાં ભાજપ જ સરકાર બનાવશે. આ બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બંને નાયબ મુખ્યમંત્રીઓ તેમજ ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન અમિત શાહે આગામી ચૂંટણીમાં ભાજપની જીત બાદ ઉત્તર પ્રદેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની પણ જાહેરાત કરી હતી.

ચૂંટણી હાર્યા બાદ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલા વોટ ચોરીના આક્ષેપો પર પલટવાર કરતા શાહે કીધું કે મેચ હારી ગયા પછી અમ્પાયર પર દોષીનો ટોપલો ઢોળવા જેવી આ વાત છે. તેમણે પડકાર ફેંક્યો હતો કે ભાજપ સંસદમાં કોઈપણ ચર્ચા માટે તૈયાર છે અને વિપક્ષી નેતાઓ સંસદનું વિશેષ સત્ર બોલાવીને તમામ પ્રશ્નોના જવાબો મેળવી શકે છે. ગૃહમંત્રીના આ આક્રમક તેવરથી રાજકીય મોરચે ગરમાવો આવી ગયો છે અને આગામી રાજકીય રણનીતિના એંધાણ વર્તાઈ રહ્યા છે.

LATEST ARTICLES