તમિલનાડુમાં હવે લાઈટ જવાની કે પાવર ફેલ્યોરની ફરિયાદોનું નિરાકરણ લાવવું વધુ સરળ બનશે કારણ કે રાજ્ય સરકારે પાવર સેક્ટરમાં સ્ટાફની અછત દૂર કરવા માટે મોટું પગલું ભર્યું છે. તમિલનાડુ પાવર ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન એટલે કે TNPDCL માં ટેકનિકલ અને ફિલ્ડ સપોર્ટ સેગમેન્ટમાં ભારે મનપાવર સંકટ ચાલી રહ્યું હતું, જેને પહોંચી વળવા આગામી બે વર્ષમાં કુલ 8,000 ફિલ્ડ અસિસ્ટન્ટની ભરતી કરવામાં આવશે. અગાઉ વર્ષ 2023માં પણ આટલી જ જગ્યાઓ માટે સરકારી આદેશ બહાર પડ્યો હતો પરંતુ ભરતી થઈ શકી ન હતી, પરંતુ હવે સરકારે નવો આદેશ જારી કરીને આ પ્રક્રિયાને વેગ આપ્યો છે તેમ વીજળી અને કાયદા મંત્રી સી ટી આર નિર્મલ કુમારે જણાવ્યું છે.
આ ભરતી પ્રક્રિયા અંતર્ગત વર્ષ 2027માં 5,000 જગ્યાઓ અને વર્ષ 2028માં 3,000 જગ્યાઓ ભરવામાં આવશે, જેની પરીક્ષા TNPSC દ્વારા લેવામાં આવશે. આ જગ્યાઓ માટે ITI પાસ કરેલા ઉમેદવારો અરજી કરવા માટે લાયક રહેશે અને તેમને શરૂઆતી પગાર તરીકે 35,548 રૂપિયા મળશે. રાજ્ય સરકાર દ્વારા આ નવા ભરતી થનારા કર્મચારીઓ પાછળ વાર્ષિક 341.26 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. જો કે, આશ્ચર્યની વાત એ છે કે ફિલ્ડ અસિસ્ટન્ટ અને વાયરમેનની કુલ 36,000 જગ્યાઓ ખાલી પડી છે, તેની સામે હાલ માત્ર 8,000 જગ્યાઓ જ ભરવામાં આવી રહી છે. વર્ષ 2021માં 9,600 ગેંગમેનની નિમણૂક બાદ TNPDCL માં આ સૌથી મોટી ભરતી ડ્રાઈવ છે.
આટલી મોટી ભરતીથી રાજ્યમાં સ્ટાફની અછત દૂર થશે કારણ કે આઉટસોર્સિંગ દ્વારા પણ લાયક મેનપાવર મળતો ન હતો તેમ એક સિનિયર અધિકારીએ કહ્યું હતું. બીજી બાજુ, સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન ઓફ તમિલનાડુ ઇલેક્ટ્રિસિટી એમ્પ્લોઇઝના સ્ટેટ પ્રેસિડેન્ટ એસ કન્નન્ને માંગ કરી છે કે ફિલ્ડ અસિસ્ટન્ટની ભૂમિકા માત્ર તેમના કામ પૂરતી જ મર્યાદિત હોવી જોઈએ અને તેમને અન્ય કોઈ ડ્યુટીમાં ન જોડવા જોઈએ. આ નવી ભરતીથી માત્ર પાવર ડિસ્ટ્રિબ્યુશનની કામગીરી સુધરશે એટલું જ નહીં, પરંતુ ટેકનિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા યુવાનો માટે રોજગારીના નવા દ્વાર પણ ખુલશે.
