એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીના ગ્લોબલ માર્કેટમાં મોટું નામ ધરાવતી કંપની એનવીડિયાના CEO જેન્સન હુઆંગ તાજેતરમાં એક મોટા વિવાદના કેન્દ્રમાં આવ્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, બેઇજિંગ માટે જાસૂસી કરતી હોવાની શંકાના ઘેરામાં રહેલી એક ચીની મહિલા સાથે જેન્સન હુઆંગના અત્યંત નિકટના સંબંધો વિકસ્યા હતા. અમેરિકી ઇન્ટેલિજન્સ એજન્સીઓ લાંબા સમયથી આ મામલે તપાસ કરી રહી હતી અને આ મહિલા દ્વારા ચીનને અત્યાધુનિક એઆઈ ચિપ્સ મેળવવામાં મદદ મળી રહી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. આ ઘટનાક્રમે અમેરિકી સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે કારણ કે જેન્સન હુઆંગ વૈશ્વિક ટેક માર્કેટના સૌથી પ્રભાવશાળી ચેહરાઓમાંથી એક છે.
આ સમગ્ર પ્રકરણમાં એલિસ હુઆંગ અથવા હુઆંગ લે નામના ચીની નાગરિક અને સિંગાપોર સ્થિત ડેટા સેન્ટર કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવનું નામ મુખ્ય રીતે સામે આવ્યું છે. અમેરિકી અધિકારીઓની તપાસમાં સ્પષ્ટ થયું હતું કે આ મહિલા બેઇજિંગ માટે ઇન્ટેલિજન્સ એસેટ તરીકે કામ કરી રહી હતી અને પોતાની પદવીનો ઉપયોગ કરીને મહત્વની માહિતી ચીન સુધી પહોંચાડી રહી હતી. સર્વેલન્સ દરમિયાન એવું પણ બહાર આવ્યું કે એલિસ હુઆંગના જેન્સન હુઆંગ સાથે ગાઢ સંબંધો હતા. જોકે, રિપોર્ટમાં ક્યાંય એવો દાવો નથી કરવામાં આવ્યો કે જેન્સન હુઆંગ પોતે આ પ્રવૃત્તિઓમાં સામેલ હતા કે તેમને આ અંગે કોઈ અગાઉથી જાણકારી હતી. તેમ છતાં, ચીનને અમેરિકી પ્રતિબંધો છતાં એડવાન્સ્ડ એઆઈ ચિપ્સના પ્રતિબંધિત એક્સેસથી બચાવવા માટે આ મહિલા સક્રિય હોવાનું મનાતું હતું.
આ ગંભીર ગુપ્તચર રિપોર્ટ્સ વિશે અંદાજે 1 વર્ષ પહેલાં જ અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પને બ્રીફિંગ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમણે આ મામલે કોઈ જ સખત પગલાં લીધા નહોતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે એનવીડિયાની ચિપ સેલ્સ અને તેના કારણે શેરમાર્કેટમાં થતી કમાણી પર કોઈ અસર ન પડે તે માટે આ મામલે આંખ આડા કાન કર્યા હતા. આ ઉપરાંત, ચીન સાથેના વેપાર સંબંધો વધુ વણસે નહીં તેવો ડર પણ આ પાછળનું એક મોટું કારણ હોવાનું મનાય છે. અમેરિકા હંમેશાં એ વાતચીત પર ભાર મૂકતું આવ્યું છે કે ચીનને એવી એડવાન્સ્ડ ટેકનોલોજી ન મળે જેનાથી તે એઆઈ ક્ષેત્રે અમેરિકાને ટક્કર આપી શકે, પરંતુ આ કિસ્સામાં વ્યાપારિક હિતોને પ્રાધાન્ય મળ્યાની ચર્ચા છે.
