ઉત્તર પ્રદેશના પ્રયાગરાજદના રહેવાતા અને ચીફ ઓફિસર વિનીત કિશોર મિશ્રા ગત 25 ફેબ્રુઆરીના રોજ જનરલ કાર્ગો શિપ 'કેવર' પર સવાર થયા હતા. ઈરાન અને ઓમાન થઈને આ જહાજ ગત 17 એપ્રિલના રોજ પાકિસ્તાનના કરાચીપોર્ટ પર પહોંચ્યું હતું, ત્યારથી વિનીત સહિત કુલ 6 ભારતીય નાવિકો ત્યાં ફસાયેલા છે. વિનીતની નોકરીનો 6 મહિનાનો કોન્ટ્રેક્ટ ઓગસ્ટમાં પૂરો થઈ ગયો છે અને તેમનો વિઝા પણ એક્સપાયર થઈ ગયો છે, છતાં તેમને જહાજમાંથી નીચે ઉતરવાની કે ઘરે પાછા આવવાની કોઈ મંજૂરી આપવામાં આવી રહી નથી. નાવિકોના પાસપોર્ટ પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે અને પરિવાર સાથે તેમની વાતચીત પણ ભાગ્યે જ થઈ શકે છે.
વિનીતની પત્ની નેહા મિશ્રાએ જણાવ્યું કે તેમના પતિ સાથે છેલ્લા 15 થી 20 દિવસમાં માંડ એકાદ મિનિટ વાત થાય છે. છેલ્લા 3 મહિનાથી આ જહાજમાં લાઈટ પણ નથી અને સંપૂર્ણ બ્લેકઆઉટ જેવી સ્થિતિ છે. પરિવારના જણાવ્યા અનુસાર જહાજ પર ખાવા-પીવાની પણ ભારે તંગી છે અને સવારે માત્ર 2 બિસ્કિટ આપવામાં આવે છે, જ્યારે બપોરનું જમવાનું સાંજે 4 વાગ્યે અને રાત્રે 11 વાગ્યે મળે છે. ઈરાની કંપની અને પોર્ટ ઓથોરિટી વચ્ચેના વિવાદના કારણે કરાચીપોર્ટ પર પહોંચતા જ આ જહાજ જપ્ત કરી લેવામાં આવ્યું હતું, જેના કારણે આ નિર્દોષ નાવિકો મુશ્કેલીમાં મુકાયા છે.
આ ગંભીર સ્થિતિથી ચિંતિત વિનીતનો પરિવાર તેમને હેમખેમ પાછા લાવવા માટે પીએમ મોદી, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વિદેશ મંત્રાલય સમક્ષ સતત અપીલ કરી રહ્યો છે. વિનીતના પિતા અને આર્મી વેટરન લલિત કિશોર મિશ્રા તેમજ પત્ની નેહા દિલ્હી પહોંચીને પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ, પ્રેસિડેન્ટ ઓફિસ અને વિદેશ મંત્રાલયમાં અરજીઓ આપી ચૂક્યા છે. બે નાના બાળકો પિતાની રાહ જોઈ રહ્યા છે અને નાની ઉંમરના બાળકોના સવાલોના જવાબ આપવા પરિવાર માટે મુશ્કેલ બન્યા છે, ત્યારે સરકારી સ્તરેથી કોઈ નક્કર પગલાં લેવાય તેવી આશા પરિવાર સેવી રહ્યો છે.
