JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર ઉથલાવવાનું કાવતરું દિવસો અગાઉ જ રચાયું હતું, યુનુસના સહયોગીનો મોટો ખુલાસો

Oct 29, 2026 | 15:25 | By JAMNAGAR MIRROR
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર ઉથલાવવાનું કાવતરું દિવસો અગાઉ જ રચાયું હતું, યુનુસના સહયોગીનો મોટો ખુલાસો
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડ્યો તેના બે દિવસ પહેલા જ નોબેલ વિજેતા પ્રોફેસર મુહમ્મદ યુનુસને વચગાળાની સરકારની કમાન સોંપવાનું પ્લાનિંગ થઈ ગયું હતું. યુનુસના પૂર્વ પ્રેસ સેક્રેટરી શફીુલ આલમે સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો છે કે આ હાઈ-સ્ટેક્સ ઓપરેશનમાં એક પત્રકારે મુખ્ય કડીની ભૂમિકા ભજવી હતી અને આ બધું એકદમ ગુપ્ત રાખવામાં આવ્યું હતું.

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ 5 ઓગસ્ટ 2024ના રોજ હિંસક વિદ્યાર્થી આંદોલનને કારણે ઢાકા છોડવું પડ્યું હતું, પરંતુ તે પહેલા જ દેશની સત્તા પલટાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. યુનુસના પૂર્વ પ્રેસ સેક્રેટરી શફીુલ આલમના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થી નેતાઓએ શેખ હસીનાના સત્તા પરથી હટવાના બે દિવસ અગાઉ જ નોબેલ વિજેતા મુહમ્મદ યુનુસનો સંપર્ક કરી લીધો હતો અને તેમને વચગાળાની સરકારનું નેતૃત્વ સંભાળવા માટે આમંત્રણ આપ્યું હતું. આ આખી ઘટના બાંગ્લાદેશના રાજકીય ઇતિહાસમાં સૌથી મોટા બદલાવ પાછળના ગુપ્ત ઘટનાક્રમ પર મોટો પ્રકાશ પાડે છે.

શફીુલ આલમે ફેસબુક પોસ્ટમાં ખુલાસો કર્યો છે કે આ ગુપ્ત ઓપરેશનમાં એજન્સ ફ્રાન્સ-પ્રેસ (AFP)ના પત્રકાર અને ફેક્ટ-ચેક ટીમના એડિટર કદરુદ્દીન શિશિરે વિદ્યાર્થી નેતાઓ અને મુહમ્મદ યુનુસ વચ્ચે ટ્રસ્ટેડ બ્રિજનું કામ કર્યું હતું. શિશિરે જ પ્રોફેસર યુનુસનો પહેલીવાર સંપર્ક કરી બંને પક્ષો વચ્ચેની પ્રાથમિક વાતચીત પાર પાડી હતી. આ આખું મિશન એટલી ખાનગી રીતે ચલાવવામાં આવ્યું હતું કે શેખ હસીનાની શક્તિશાળી સિક્યુરિટી મશીનરીને પણ આની કાનભેર ખબર પડી નહોતી. જો આ કાવતરું પકડાઈ ગયું હોત, તો પત્રકાર અને તેની ટીમ કોઈ ગુપ્ત જેલમાં ધકેલાઈ ગયા હોત.

શેખ હસીનાની અવામી લીગ સરકાર સત્તા પરથી હટ્યા બાદ 8 ઓગસ્ટ 2024ના રોજ મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર સત્તા પર આવી હતી અને દોઢ વર્ષ સુધી શાસન કર્યું હતું. આ દરમિયાન 2025માં હસીનાને ગેરહાજરીમાં ટ્રાયલ ચલાવી મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી અને અવામી લીગ પાર્ટી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તાજેતરમાં યુનુસ જ્યારે ન્યૂ યોર્કની મુલાકાતે ગયા ત્યારે જ્હોન એફ. કેનેડી એરપોર્ટ પર અવામી લીગના સમર્થકોએ તેમને ઘેરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડિયો પણ વાયરલ થયો હતો.

LATEST ARTICLES