જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી એક વાડીમાં શ્રમિક પરિવારની સગીરા સાથે બનેલી ગંભીર ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી દીધી છે. વાડીમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની ૧૩ વર્ષીય દીકરી સાથે વાડી માલિકના પુત્ર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ બનાવ અંગે ભોગ બનનાર સગીરાની માતાએ હિમ્મત દાખવીને પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે કાયદેસરની ચક્રો ગતિમાન કર્યા હતા.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી વાડી માલિકના પુત્રનું નામ નિલેશ ભીખુભાઈ હોવાનું સામે આવ્યું છે. સગીરાની માતાની ફરિયાદના આધારે જામજોધપુર પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ સહિતની સખત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ઘટનાનીિક ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ આરોપી નિલેશ ભીખુભાઈને દબોચી લીધો હતો.
પોલીસે પકડાયેલા આરોપીને વધુ પૂછપરછ અને તપાસ માટે રિમાન્ડ મેળવવા અર્થે કોર્ટમાં રજૂ કર્યો છે. બીજી તરફ, આ અઘટિત ઘટનાનો ભોગ બનેલી ૧૩ વર્ષીય સગીરાને તાત્કાલિક ધોરણે તબીબી ચકાસણી અને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ પ્રકરણે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જેથી સમગ્ર હકીકત બહાર આવી શકે.
