JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
મનોરંજન

રાજકોટમાં જમાવટ થશે: દિવાળી કાર્નિવલ સાથે સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલની પણ મોજ માણવા મળશે

Oct 29, 2026 | 15:21 | By JAMNAGAR MIRROR
રાજકોટમાં જમાવટ થશે: દિવાળી કાર્નિવલ સાથે સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલની પણ મોજ માણવા મળશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વખતે દિવાળીના તહેવારને વધુ રંગતદાર બનાવવા માટે ભવ્ય કાર્નિવલનું આયોજન થઈ રહ્યું છે. રિંગ રોડ પર રોશનીની ઝાકમઝોળની સાથે હવે શહેરીજનો સ્ટ્રીટ ફૂડ, લાઇવ બેન્ડ, આકર્ષક પરેડ અને બાળકો માટે ખાસ રેલીની મજા માણી શકશે. ધનતેરસથી શરૂ થનારા આ 5 દિવસીય ઉત્સવની તારીખો અંગે આવતીકાલે આખરી નિર્ણય લેવામાં આવશે.

રાજકોટવાસીઓ માટે આ વખતની દિવાળી ખરા અર્થમાં યાદગાર બનવાની છે કારણ કે મનપા દ્વારા તહેવારોની ઉજવણીમાં નવતર પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. મેયર ડો.નેહલ શુક્લ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયાની આગેવાનીમાં યોજાયેલી બેઠક બાદ આ ભવ્ય આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ ઉત્સવ દરમિયાન શહેરના રેસકોર્સ રિંગ રોડ પર વીજપોલથી લઈને ડિવાઇડર સુધી આકર્ષક રોશની કરવામાં આવશે, જેથી આખો વિસ્તાર દિવાળીના દીવાઓની જેમ ઝગમગી ઉઠે. સામાન્ય જનતાને ટ્રાફિક કે ચાલવામાં કોઈ અગવડ ન પડે તેનું ખાસ ધ્યાન રાખીને રસ્તાની વચ્ચે મંડપ કે નડતરરૂપ સજાવટ નહીં કરવાનો નિર્ણય લેવાયો છે.

આ કાર્નિવલનું સૌથી મોટું આકર્ષણ રમેશભાઈ પારેખ રંગદર્શન મેદાન ખાતે યોજાનારું સ્ટ્રીટ ફૂડ કાર્નિવલ રહેશે, જ્યાં આશરે 30 જેટલા જાણીતા ફૂડ ઓપરેટરોના સ્ટોલ ધમધમશે. અહીં ખાણી-પીણીની સાથે મુલાકાતીઓ માટે લાઇવ બેન્ડ અને ડી.જે.ની પણ જમાવટ રહેશે, જો કે રહેવાસીઓને અસુવિધા ન થાય તે માટે જાહેર રસ્તાઓ પર ઘોંઘાટ કરતા ડી.જે. પર પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત, ઉત્સવમાં ચાર ચાંદ લગાવવા માટે 2 દિવસ વિશેષ કાર્નિવલ પરેડ યોજાશે જેમાં 5થી 6 આકર્ષક ફ્લોટ વિવિધ સામાજિક સંદેશાઓ આપતા જોવા મળશે. બાળકોના મનોરંજન માટે પણ ખાસ 2 દિવસ એન્જોય થીમ આધારિત રેલીનું આયોજન કરાયું છે જેમાં ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર્સ બાળકોને હસાવશે.

અગાઉ માત્ર લાઈટીંગ પૂરતા સીમિત રહેતા આ તહેવારને હવે આખો પરિવાર સાથે મળીને માણી શકે તેવા કૌટુંબિક ઉત્સવનું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. ટ્રાફિક નિયંત્રણ અને નાગરિકોની સુખાકારીને પ્રાથમિકતા આપીને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ ચાલી રહી છે. આ પાંચ દિવસીય દિવાળી કાર્નિવલની સત્તાવાર તારીખો અને સમય અંગે આવતીકાલે મનપા દ્વારા અંતિમ મહોર મારવામાં આવશે, ત્યારબાદ રાજકોટના આ મહા-ઉત્સવનું આખું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે.

LATEST ARTICLES