અમદાવાદના શાહપુર વિસ્તારમાં બનેલી એક ઘટનાએ ખાખી વર્દીવાળાઓને પણ ચક્કરમાં મૂકી દીધા હતા. મિરઝાપુરના પ્રીમિયર શોપિંગ સેન્ટર પાસે ચાર અજાણ્યા શખ્સોએ વેપારીને ચપ્પાના ઘા મારીને 15 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હોવાની સનસનાટીભરી ફરિયાદ નોંધાઈ હતી. આ હુમલામાં વેપારીના હાથ અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું કહીને લૂંટારુઓ ફરાર થઈ ગયા હોવાનું જણાવાયું હતું. ઘટનાની ગંભીરતા જોતાં પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું અને ગુનેગારોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
પોલીસે આ કેસ ઉકેલવા માટે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને FSLની મદદ લઈને વૈજ્ઞાનિક ઢંગે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે વેપારીને બેંક લોનના હપ્તા અને વીંસીના મળીને કુલ 22.50 લાખ રૂપિયા ચૂકવવાના બાકી હતા અને તે ભારે આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યો હતો. આ દેવામાંથી છૂટકારો મેળવવાનો કોઈ રસ્તો ન સૂઝતા વેપારીએ ખુદ પોતાની જાતને ચપ્પાથી ઈજાઓ પહોંચાડી હતી અને કોઈ લૂંટ ચલાવીને ભાગી ગયું હોવાની ખોટી કહાની રચી દીધી હતી. પોલીસે કડક પૂછપરછ કરતાં વેપારીએ આ સમગ્ર બનાવટી કાવતરાની સત્તાવાર કબૂલાત પણ કરી લીધી છે.
આ સમગ્ર મામલો માત્ર એક બનાવટી નાટક હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે હાશકારો અનુભવ્યો છે, પરંતુ ખોટી ફરિયાદ નોંધાવીને પોલીસ અને તપાસ એજન્સીઓનો કિંમતી સમય બગાડવા બદલ હવે આ વેપારી સામે કાયદાકીય શિકંજો કસાશે. શાહપુર પોલીસ સ્ટેશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ખોટી લૂંટની ફરિયાદ નોંધાવવા બદલ સંબંધિત વેપારી સામે કોર્ટમાં બી સમરી વિથ પ્રોસિક્યુશનની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસનું આ કડક પગલું એટલા માટે જરૂરી છે જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવી ખોટી ફરિયાદો કરીને કાયદાની આંખોમાં ધૂળ નાખતા અચકાય.
