ગુજરાતમાં કાગળ પરની દારૂબંધી વચ્ચે જામનગર શહેરમાંથી કાયદો અને વ્યવસ્થાને પડકારતો એક મોટો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પોલીસે ગુપ્ત બાતમીના આધારે માનસી હોટલ પાછળ આવેલા એક શંકાસ્પદ ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે ત્યાંથી વિદેશી દારૂની કુલ 19500 બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત અંદાજે ₹40.68 લાખ જેટલી થાય છે. આ પ્રકરણમાં પોલીસ તપાસ દરમિયાન સૌથી મોટો ધડાકો એ થયો કે આ જંગી દારૂનો જથ્થો જે ગોડાઉનમાંથી પકડાયો છે, તે જામનગરના ભાજપના મહિલા કોર્પોરેટર મંજૂબેન બાંભણીયાનો પુત્ર હિતેશ ઉર્ફે વાંગો નરશી બાંભણીયા ચલાવતો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં આ દારૂના નેટવર્ક સાથે કુલ 10 બુટલેગરોની સંડોવણી ખુલી છે. સતીષા પીરની દરગાહ પાસે રહેતા કોર્પોરેટરના પુત્ર હિતેશ ઉર્ફે વાંગાનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ લાંબો અને ગંભીર રહ્યો છે, જેની સામે અગાઉથી જ કુલ 19 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ગુનાઓમાં 2 હત્યા, 2 હત્યાના પ્રયાસ, 5 મારામારી, 4 દારૂબંધીના કેસો ઉપરાંત ધાડ પાડવાની પૂર્વ તૈયારી, જેલ કાયદા કે જાહેરનામા ભંગ, જાનમાલના નુકસાન અને કેફી પ્રવાહી પીધેલી હાલતના ગુનાઓનો પણ સમાવેશ થાય છે. આટલા મોટા પાયે ચાલી રહેલા દારૂના ધંધામાં નામચીન શખ્સનું કનેક્શન બહાર આવતા સ્થાનિક પોલીસ બેડામાં પણ દોડધામ મચી ગઈ છે.
હાલ આ કેસમાં મુખ્ય સૂત્રધાર હિતેશ બાંભણીયા સહિત કુલ 9 આરોપીઓ પોલીસ પકડથી દૂર ફરાર થઈ ગયા છે, જ્યારે પોલીસે ધર્મેશ યાજ્ઞિક નામના શખ્સની અટકાયત કરીને તેની કડક પૂછપરછ શરૂ કરી છે. ફરાર થઈ ગયેલા કોર્પોરેટરના પુત્ર અને અન્ય 8 બુટલેગરોને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારના યુવકનું નામ આ પ્રકારે દારૂના ધંધામાં સંડોવાતા જામનગરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, જોકે બીજી તરફ મહિલા કોર્પોરેટર મંજુલા બાંભણીયાએ આ સમગ્ર બાબતથી અજાણ હોવાનું રટણ કર્યું છે.
