જ્યારે પણ રોહિત શર્મા મેદાન પર કે મેદાનની બહાર હોય, ત્યારે ક્રિકેટ ફેન્સનું ધ્યાન તેના પર જ હોય છે. હાલમાં જ રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે, જે તેના શો ફેમિલી ફુલ હાઉસ વિથ રોહિત શર્માનો છે. રોહિત હાલમાં ભારત માટે ફક્ત ODI ફોર્મેટમાં રમે છે અને તેણે ટેસ્ટ તેમજ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. થોડા સમય પહેલાં એવી ચર્ચાઓ પણ જોર પકડ્યું હતું કે પસંદગીકારો 2027 ODI વર્લ્ડ કપની ટીમમાં રોહિતને સામેલ કરવાના નથી, જેના કારણે તેની સંભવિત નિવૃત્તિની અટકળો પણ વહેતી થઈ હતી. જોકે, BCCI દ્વારા આ અહેવાલોને ફગાવી દેવામાં આવ્યા હતા અને હવે રોહિત આગામી ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચની ODI સિરીઝ માટે સખત મહેનત કરી રહ્યો છે.
આ વાયરલ વીડિયોમાં રોહિત શર્માને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, તમે ઇમરજન્સીમાં કોને બોલાવશો, શુભમન ગિલ કે શ્રેયસ ઐયર? આના જવાબમાં રોહિતે હસતાં-હસતાં કહ્યું કે, બંને કેપ્ટન છે, શુભમન ગિલ હાલમાં મારો કેપ્ટન છે અને મારે 2027 ODI વર્લ્ડ કપમાં રમવું છે, તેથી મારે તેને ખુશ રાખવો પડશે. આટલું જ નહીં, રોહિતે મજાકમાં એમ પણ ઉમેર્યું કે જો મારે 27 પછી T20 માં વાપસી કરવી છે, તો મારે શ્રેયસ ઐયરને પણ ખુશ રાખવો પડશે. ઉલ્લેખનીય છે કે શુભમન ગિલ હાલમાં ODI ટીમનો કેપ્ટન છે અને તે જ 2027 ODI વર્લ્ડ કપમાં ટીમનું નેતૃત્વ કરશે. અગાઉ રોહિતની કેપ્ટનશીપ હેઠળ જ ભારતે 2024 T20 વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી હતી.
રોહિત શર્માના આ નિવેદને સાબિત કરી દીધું છે કે હજુ તેનામાં ક્રિકેટ ઘણું બાકી છે અને તે લાંબા સમય સુધી મેદાન પર રમવા માટે ઉત્સુક છે. અગાઉ ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેના ફોર્મ અને લોર્ડ્સ મેચ બાદ નિવૃત્તિની અફવાઓએ ફેન્સને ચિંતામાં મૂક્યા હતા, પરંતુ તાજેતરની સિરીઝમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે ન્યૂઝીલેન્ડ સામેની આગામી સિરીઝ અને 2027 વર્લ્ડ કપના લક્ષ્યને ધ્યાનમાં રાખીને રોહિતની આ તૈયારીઓ ભારતીય ટીમ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાની છે. ફેન્સ પણ આશા રાખી રહ્યા છે કે તેમનો મનપસંદ હિટમેન લાંબો સમય સુધી ક્રિકેટ જગતમાં ધમાકો મચાવતો રહેશે.
