દિલ્હીની શાન સમાન 18મી સદીના ઐતિહાસિક સ્મારક જંતર મંતરને હવે વિરોધ પ્રદર્શનોથી મુક્ત કરીને એક મોટા સાંસ્કૃતિક મંચ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આગામી 4 ડિસેમ્બર 2026 થી 21 માર્ચ 2027 સુધી ભવ્ય ઇન્ડિયા બિએનાલેનું આયોજન કરવામાં આવ્યું છે, જે દિલ્હીના અનેક ઐતિહાસિક સ્મારકો પર ફેલાયેલું હશે. વર્ષ 2023માં રેડ ફોર્ટ ખાતે યોજાયેલી પ્રથમ આવૃત્તિની સરખામણીમાં આ વખતે તેનું કલેવર અનેકગણું મોટું રાખવામાં આવ્યું છે. આ ઇવેન્ટનો મુખ્ય હેતુ ભારત તેમજ દુનિયાભરની બેસ્ટ આર્ટ, આર્કિટેક્ચર અને ડિઝાઇનને એક જ મંચ પર લાવવાનો છે, જેથી 108 દિવસ સુધી દિલ્હીના સ્મારકો એક જીવંત કેનવાસ જેવા દેખાય.
આ ભવ્ય આયોજન માટે દિલ્હીના પ્રખ્યાત સ્મારકો અને કલ્ચરલ સેન્ટર્સને વેન્યુ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં રેડ ફોર્ટ, કુતુબ મિનાર, હૌઝ ખાસ, અગ્રસેન કી બાવડી, હુમાયુ ટૂંબ, લોધી ગાર્ડન, સફરજંગ ટૂંબ, નેશનલ મ્યુઝિયમ, લલિત કલા અકાદમી અને સંગીત નાટક અકાદમી જેવા મુખ્ય સ્થળોનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ જંતર મંતરની આસપાસના વિસ્તારને નો પ્રોટેસ્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ હવે અહીં આ પહેલું મોટું સાંસ્કૃતિક આયોજન થવા જઈ રહ્યું છે. અગાઉ ત્રણ દાયકા સુધી આ જ જગ્યા વિરોધ પ્રદર્શનો માટે જાણીતી હતી, પરંતુ સંસદ અને સરકારી ઓફિસો નજીક હોવાને કારણે હવે તેને બદલીને કલાત્મક ગતિવિધિઓનું કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે.
આ મહત્વાકાંક્ષી પ્રદર્શનમાં ફ્રાન્સ, ઇટાલી, હંગેરી, સ્વિટ્ઝરલેન્ડ અને શ્રીલંકા સહિતના 9 દેશોએ અત્યાર સુધીમાં પોતાની ભાગીદારી પાક્કી કરી લીધી છે, જ્યારે કુલ 20થી વધુ દેશો તેમાં જોડાશે. મેટ્રો સ્ટેશન નજીક હોવાને કારણે અને શહેરની બરાબર વચ્ચે આવેલું હોવાથી જંતર મંતર દેશ-વિદેશના પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ બિએનાલે માત્ર એક પ્રદર્શન નથી પરંતુ દિલ્હીની હેરિટેજ બિલ્ડિંગ્સ, મ્યુઝિયમ્સ અને કમ્યુનિટીઝને એક સૂત્રમાં બાંધવાનો અનોખો પ્રયાસ છે. આ લાંબી ઇવેન્ટ પૂર્ણ થયા બાદ રાજધાનીના સાંસ્કૃતિક નકશા પર એક નવો અધ્યાય લખાશે તેવી પૂરી આશા છે.
