JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

યુએસ જજે ટ્રમ્પ સરકારની અરજી ફગાવી, કેલિફોર્નિયામાં 20,000 થી વધુ વોટર્સના બેલેટ રોકવાનો ઇનકાર

Oct 29, 2026 | 06:45 | By JAMNAGAR MIRROR
યુએસ જજે ટ્રમ્પ સરકારની અરજી ફગાવી, કેલિફોર્નિયામાં 20,000 થી વધુ વોટર્સના બેલેટ રોકવાનો ઇનકાર
અમેરિકાની લોકસભાની મિડટર્મ ઇલેક્શન પહેલા કેલિફોર્નિયામાં મોટો રાજકીય ધમાકો થયો છે. યુએસ ડિસ્ટ્રિક્ટ જજે જસ્ટિસ ડિપાર્ટમેન્ટની એ અરજી ફગાવી દીધી છે જેમાં 20,000 થી વધુ રજિસ્ટર્ડ વોટર્સના મેલ બેલેટ ગણતા અટકાવવાની માંગણી કરવામાં આવી હતી. આ નિર્ણયથી ચૂંટણી પ્રક્રિયામાં મોટી અરાજકતા અટકાવી શકાશે તેમ જજનું માનવું છે.

લોસ એન્જલસ ફેડરલ કોર્ટમાં બુધવારે યુએસ ડિસ્ટ્રિક્ટ જજ ડેવિડ કાર્ટરે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલી અરજી પર મોટો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે એવી માંગણી કરી હતી કે કેલિફોર્નિયામાં 20,000 થી વધુ એવા રજિસ્ટર્ડ વોટર્સના મેલ બેલેટ ગણવામાં ન આવે કે જેઓ નોન-સિટીઝન હોવાની શંકા છે. આ મામલે મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને બુધવારે જજે સ્પષ્ટ કર્યું કે ચૂંટણીની બરાબર પહેલા ફેડરલ ગવર્નમેન્ટ દ્વારા સ્ટેટ ગવર્નમેન્ટની ચૂંટણી પ્રક્રિયામાં દખલગીરી કરવાનો આવો પ્રયાસ અમેરિકન ઇતિહાસમાં ક્યારેય થયો નથી. આ નિર્ણયથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ પ્રયાસને મોટો ફટકો પડ્યો છે જેમાં તેઓ મિડટર્મ ઇલેક્શન પહેલા ફેડરલ સરકારનો પાવર વધારવા માંગતા હતા.

અમેરિકન બંધારણ મુજબ રાજ્યો પાસે પોતાની ચૂંટણી યોજવાનો અને તેને નિયંત્રિત કરવાનો અધિકાર છે, અને આ મામલે જજ ડેવિડ કાર્ટરે જણાવ્યું કે છેલ્લી ઘડીએ 20,000 થી વધુ બેલેટ કાઢી નાખવાની માંગ બંધારણીય સિદ્ધાંતોની વિરુદ્ધ છે. જો ટ્રમ્પ સરકારની તરફેણમાં ચુકાદો આવ્યો હોત તો તેનાથી ભારે અરાજકતા સર્જાઈ હોત અને હજારો લાયક વોટર્સ પોતાના મતાધિકારથી વંચિત રહી જાત. કેલિફોર્નિયા સરકાર અગાઉ જ સ્પષ્ટ કરી ચૂકી છે કે ત્યાં નોન-સિટીઝન વોટિંગ રોકવા માટે મજબૂત સુરક્ષા વ્યવસ્થા છે અને જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જે ડેટા રજૂ કર્યા છે તે શંકાસ્પદ છે. ઇલેક્શન ડે પહેલા જ કેલિફોર્નિયામાં 3.7 મિલિયનથી વધુ લોકો પોતાના વોટ આપી ચૂક્યા છે, અને રાજ્યમાં ડિસેમ્બર 2025 સુધીમાં કુલ 23 મિલિયન રજિસ્ટર્ડ વોટર્સ નોંધાયેલા છે.

આ કેસ માત્ર કેલિફોર્નિયા પૂરતો સીમિત નથી પરંતુ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને વોશિંગ્ટન અને અલાસ્કા જેવા રાજ્યોમાં પણ ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવાના સમાન પ્રયાસો કર્યા છે. અલાસ્કામાં રિપબ્લિકન સેનેટરની હારના ડરે ચૂંટણી પરિણામો અટકાવવાની માંગ કરી હતી, જ્યારે વોશિંગ્ટનમાં પણ 400 વોટર્સના બેલેટ ન ગણવા માટે પત્ર લખવામાં આવ્યો હતો જેને ચૂંટણી અધિકારીઓએ પાયાવિહોણો ગણાવ્યો હતો. જજ કાર્ટરે ચેતવણી આપી છે કે જો સરકાર કોઈ પુરાવા વગરના આરોપોના આધારે ચાલુ ચૂંટણીમાં વોટ રદ કરાવવા લાગશે તો આપણી ડેમોક્રસી જોખમમાં મુકાઈ જશે. વોટિંગ રાઈટ્સ એક્ટિવિસ્ટ્સ પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે ફેડરલ સરકારની આ પ્રકારની તપાસથી કાયદેસરના નેચરલાઈઝ્ડ સિટિઝન્સ પણ ભૂલથી લિસ્ટમાંથી બહાર થઈ શકે છે.

LATEST ARTICLES