સાડા ત્રણ દાયકા પહેલાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા અને બેરોજગાર ફ્લોરિડાના રિક સેંકો નામના સિંગલ ફાધરની જિંદગી એક સાધારણ ફોનથી બદલાઈ ગઈ હતી. વર્ષ 2008માં જ્યારે તેમની પાસે નોકરી નહોતી અને ઉછેર માટે એક નાનો 5 વર્ષનો દીકરો હતો, ત્યારે તેમણે 35 ડોલરમાં એક બગડેલો સેલફોન ખરીદ્યો હતો. તેને ઓનલાઇન પ્લેટફોર્મ eBay પર 70 ડોલરમાં વેચી દેતા જ તેમને નફો કમાવવાની યુક્તિ સૂઝી ગઈ અને ત્યાંથી જ તેમના મોટા બિઝનેસની પાયાની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં ઇલેક્ટ્રોનિક્સથી શરૂ થયેલી આ સફર ધીમે-ધીમે સેકન્ડ હેન્ડ કપડાંના વેચાણ સુધી પહોંચી અને આજે આ બિઝનેસ એક મલ્ટીમિલિયન સાહસ બની ચૂક્યો છે.
આજે 41 વર્ષની ઉંમરના રિક સેંકો પોતાની કુશળતાના બળે ફ્લોરિડાથી પ્રી-ઓવન્ડ કપડાં અને અન્ય સામાનનો મોટો હોલસેલ બિઝનેસ ચલાવી રહ્યા છે. વર્ષ 2024માં તેમના આ બિઝનસે વાર્ષિક 6.5 મિલિયન ડોલરનું જંગી ટર્નઓવર કર્યું છે. તેઓ ફ્લી માર્કેટમાં વહેલી સવારે પહોંચીને સસ્તી કિંમતે બ્રાન્ડેડ કપડાં જેમ કે એબરક્રોમ્બી અને બરબેરી જેવી પ્રીમિયમ વસ્તુઓ શોધી લાવે છે જે બાદમાં મોંઘા ભાવે વેચાય છે. એક સમયે eBay પર પ્રી-ઓવન્ડ મેન્સ ક્લોથિંગ વેચવામાં નંબર વન રહેલા રિકે એપ્રિલ 2021ની આસપાસ વાર્ષિક 2.5 મિલિયન ડોલરની કમાણી કરી હતી, જ્યાં તેમની પાસે આશરે 50,000 વસ્તુઓ સ્ટોરમાં લિસ્ટેડ રહેતી હતી.
સમયની સાથે તેમણે છૂટક વેચાણથી આગળ વધીને હોલસેલ મોડેલ અપનાવ્યું, જ્યાં તેઓ અન્ય રિસેલર્સને દર અઠવાડિયે આશરે 1000 થી વધુ પીસ સપ્લાય કરે છે. અમેરિકામાં વેડફાઈ જતા કપડાં અને ડિઝાઇનર ચીજોને રિસાયકલ કરીને નવો અવસર આપનાર રિકનું માનવું છે કે આ સફળતા પાછળ તેમની લગભગ 20 વર્ષની અથાક મહેનત અને રોજ વહેલા ઉઠીને કામ કરવાની ધગશ જવાબદાર છે. છેલ્લાં બે દશકામાં એક દિવસની પણ રજા ન લેનાર રિક સેંકોએ સાબિત કરી દીધું કે યોગ્ય વ્યાપારિક સૂઝ અને મહેનતથી કોઈપણ શૂન્યમાંથી સર્જન કરી શકે છે.
