JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

સોજિત્રાના દૂધીપુરામાં બનશે રાજ્યનું પ્રથમ મગરો માટેનું 50 લાખના ખર્ચે રેસ્ક્યૂ સેન્ટર

Oct 29, 2026 | 05:15 | By JAMNAGAR MIRROR
સોજિત્રાના દૂધીપુરામાં બનશે રાજ્યનું પ્રથમ મગરો માટેનું 50 લાખના ખર્ચે રેસ્ક્યૂ સેન્ટર
આણંદ જિલ્લાના સોજિત્રા અને વસો તાલુકાના ગામડાઓમાં વર્ષોથી તળાવોમાં વસતા મગરોની સુરક્ષા અને સારવાર માટે સરકાર દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે. ધારાસભ્યની રજૂઆતથી 1 હેક્ટર વિસ્તારમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેનું રેસ્ક્યૂ સેન્ટર તૈયાર થશે તેમજ પ્રવાસનને પણ વેગ મળશે.

આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના ડભોઉ, મલાતજ, દેવાતળપદ તેમજ વસો તાલુકાના પેટલી અને દેવાવાંટા ગામોના તળાવોમાં છેલ્લા ઘણા વર્ષોથી મોટી સંખ્યામાં મગરો વસવાટ કરે છે. આ ગામોના તળાવોમાં મગરો જાણે ગામના નાગરિકોની જેમ જ રહેતા હોય અને અત્યાર સુધી એક પણ મગરે નાગરિકોને ઈજા કે નુકસાન પહોંચાડ્યું ન હોવાની વિશેષ વાત સામે આવી છે. જો કે, આ મગરોની સુરક્ષા અને ક્યારેક તેઓ ઈજાગ્રસ્ત થાય કે માનવ વસ્તીમાં આવી ચડે ત્યારે યોગ્ય સારવાર મળી રહે તે માટે એક અદ્યતન સેન્ટરની તાતી જરૂરિયાત હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને સોજિત્રાના ધારાસભ્ય વિપુલ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરી હતી, જેને પગલે મુખ્યમંત્રીએ તાત્કાલિક અસરથી આ પ્રોજેક્ટને મંજૂરી આપી છે.

આ રજૂઆતના પરિણામે સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત મગરો માટે ખાસ રેસ્ક્યૂ સેન્ટરનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેના માટે અંદાજે 50 લાખ રૂપિયાનો ખર્ચ ફાળવવામાં આવ્યો છે. સોજિત્રા તાલુકાના દૂધીપુરા ખાતે 1 હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં આ રેસ્ક્યૂ સેન્ટર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મગરોને ત્વરિત સારવાર મળી રહે તે માટે આધુનિક સંસાધનો અને તમામ જરૂરી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત, સોજિત્રા વિધાનસભા મતવિસ્તારના ડભોઉ, મલાતજ અને દેવાતળપદ ગામે પ્રવાસન વિભાગ દ્વારા ક્રોકોડાયલ પાર્કનું પણ દિવસ-રાત નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેથી આસપાસના 100 થી વધુ ગામોના તળાવોમાં રહેતા મગરોને સુરક્ષિત રાખી શકાય.

મધ્ય ગુજરાતના આ વિસ્તારોમાં ક્રોકોડાયલ પાર્ક અને રેસ્ક્યૂ સેન્ટર વિકસિત થવાથી આખી ભૌગોલિક કાયાપલટ થઈ જશે. અહીં મગરોને જોવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવશે, જેના કારણે સ્થાનિક ગ્રામીણ કક્ષાએ રોજગારીની નવી તકો ઊભી થશે અને નાના-મોટા ધંધા-વ્યવસાયોને વેગ મળશે. આ પ્રોજેક્ટના સાકાર થવાથી માત્ર વન્યજીવ સંરક્ષણ જ નહીં પરંતુ આજુબાજુના વિસ્તારમાં પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે અને પ્રવાસન ક્ષેત્રે આ પ્રદેશ નવું નજરાણું બનશે.

LATEST ARTICLES