ઈઝરાયલમાં તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીના પ્રાથમિક પરિણામો અત્યંત રોમાંચક અને અનિશ્ચિત રહ્યા છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું લિકુડ ગઠબંધન અને ભૂતપૂર્વ મિલિટરી ચીફ ગાદી આઇઝનકોટના નેતૃત્વ હેઠળના વિપક્ષ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. આ ચૂંટણી 7 ઓક્ટોબર 2023ના રોજ થયેલા હમાસના હુમલા અને યુદ્ધની પૃષ્ઠભૂમિમાં યોજાઈ હતી, જેમાં સુરક્ષા અને અલ્ટ્રા-ઓર્થોડોક્સ યહૂદીઓની સૈન્ય મુક્તિ જેવા મુદ્દા મુખ્ય રહ્યા હતા. ખાસ વાત એ છે કે આ ચૂંટણીમાં 1999 પછીનું સૌથી વધુ 77.7% રેકોર્ડ મતદાન નોંધાયું છે, જે ગત ચૂંટણી કરતા લગભગ 7% વધારે છે.
૧૨૦ સભ્યોની સંસદ એટલે કે નેસેટમાં સરકાર બનાવવા માટે 61 સીટની બહુમતી જરૂરી છે, જે હાલમાં કોઈ પણ જૂથને મળતી દેખાતી નથી. 41.9% મતોની ગણતરી બાદ નેતાન્યાહૂના ગઠબંધનને 57 અને વિપક્ષી ગઠબંધનને 47 સીટ મળી છે, જ્યારે અરબ પક્ષો પાસે 16 સીટ છે અને તેઓ કિંગમેકરની ભૂમિકામાં છે. હજુ મતગણતરી ચાલુ હોવાથી આ આંકડા બદલાઈ શકે છે. અરબ પક્ષોની ભૂમિકા ચાવીરૂપ હોવા છતાં નેતાન્યાહૂ અને આઇઝનકોટ બંનેએ તેમના સમર્થનથી સરકાર રચવા સામે આશંકા વ્યક્ત કરી છે, જેના કારણે રાજકીય સમીકરણો વધુ જટિલ બન્યા છે.
ચૂંટણીના આખરી પરિણામો આવ્યા બાદ ઈઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગ તમામ પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરીને સૌથી વધુ બહુમતી ધરાવતા નેતાને સરકાર બનાવવા આમંત્રિત કરશે. પસંદ કરાયેલા નેતાને સરકાર રચવા માટે 28 દિવસનો સમય મળશે, જેમાં 14 દિવસનો વધારો થઈ શકે છે. જો વાટાઘાટો નિષ્ફળ જશે અને કોઈ પક્ષ સરકાર નહીં બનાવી શકે, તો સંસદ ભંગ કરીને 90 દિવસમાં ફરી ચૂંટણી યોજાશે અને ત્યાં સુધી નેતન્યાહૂની વર્તમાન સરકાર કેરટેકર તરીકે કામ ચાલુ રાખશે.
