JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
શિક્ષણ

વડોદરામાં શાળાની મોટી બેદરકારી, 29 ઓક્ટોબરનું પેપર એક દિવસ વહેલું લેવાતા ધોરણ 6 અને 7ની પરીક્ષા રદ

Oct 28, 2026 | 22:47 | By JAMNAGAR MIRROR
વડોદરામાં શાળાની મોટી બેદરકારી, 29 ઓક્ટોબરનું પેપર એક દિવસ વહેલું લેવાતા ધોરણ 6 અને 7ની પરીક્ષા રદ
વડોદરાના સાવલીમાં આવેલી સ્કૂલની ગંભીર ભૂલના કારણે શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે. સામાજિક વિજ્ઞાનનું પેપર નિર્ધારિત તારીખથી એક દિવસ અગાઉ જ લેવાઈ જતા સમગ્ર જિલ્લાની આ પરીક્ષા રદ કરવામાં આવી છે અને હવે નવી તારીખ જાહેર કરાઈ છે.

વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં આવેલી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઑફ એક્સેલન્સ દ્વારા પરીક્ષાના આયોજનમાં એક ખૂબ જ ગંભીર બેદરકારી સામે આવી છે. વાસ્તવમાં ધોરણ 6 અને 7નું સામાજિક વિજ્ઞાનનું પેપર આગામી 29 ઓક્ટોબરે લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ શાળા સંચાલકોએ સમયપત્રકનું ધ્યાન રાખ્યા વગર એક દિવસ અગાઉ જ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવડાવી દીધી હતી. શાળાના આ છબરડાના કારણે શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે અને સમયપત્રકના ભંગ બદલ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

આ મામલે પ્રાપ્ત થયેલી વિગતો મુજબ કેજેઆઈટી સંચાલિત આ શાળામાં 200થી વધુ વિદ્યાર્થીઓએ અગાઉથી જ સામાજિક વિજ્ઞાનનું પેપર આપી દીધું હતું. આ ગંભીર બાબત ધ્યાનમાં આવતા જ જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેએ તાત્કાલિક સ્પષ્ટતા કરી હતી કે આજે લેવાયેલી પરીક્ષા રદ ગણાશે અને નિયત કરેલી તારીખે એટલે કે 29 ઓક્ટોબરે પણ આ વિષયની પરીક્ષા લેવામાં આવશે નહીં. માત્ર એક જ શાળાની ભૂલના કારણે શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર વડોદરા જિલ્લામાં ધોરણ 6 અને 7ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા રદ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

હવે વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતા દૂર કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા નવી તારીખ જાહેર કરવામાં આવી છે, જેના અનુસાર હવે આ પરીક્ષા આગામી 2 નવેમ્બર 2026ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીઓએ નવા પેપર સાથે ફરીથી આ પરીક્ષા આપવાની રહેશે. બીજી તરફ, પરીક્ષાની પવિત્રતા સાથે ચેડાં કરનાર આ શાળાની ક્ષતિને શિક્ષણ વિભાગે અત્યંત ગંભીરતાથી લીધી છે અને કડક કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારી છે, જેથી ભવિષ્યમાં આવી બેદરકારી કોઈ ન કરે.

LATEST ARTICLES