દિલ્હી પાસે આવેલા ગાઝિયાબાદના વસુંધરા સેક્ટર-1 સ્થિત જગૃતિ રેસિડેન્ટ વેલફેર એસોસિએશન સોસાયટીમાં ગત 26 ઓક્ટોબરની સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. મૂળ ઝાંસીના રહેવાસી અને દિલ્હીમાં સીનિયર એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા શશાંક કંઠારિયા જ્યારે પોતાના ઘરે હતા, ત્યારે તેમના પર જીવલેણ હુમલો થયો હતો. ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ બનતી આ ઘટના તે સમયે બની જ્યારે શશાંકની પત્ની પ્રિયા શર્મા જીમ જવા માટે ઘરની બહાર નીકળી રહી હતી. અચાનક ઘરમાં ઘૂસી આવેલા એક શખ્સે શશાંક પર ચાકુથી ઉપરાઉપરી ઘા માર્યા હતા, પરંતુ લોહીલુહાણ હાલતમાં શશાંકે બૂમાબૂમ કરતા હુમલો કરનાર ભાગી છૂટ્યો હતો અને પોલીસે તાત્કાલિક ઘાયલ શશાંકને યશોદા મેડસિટી હોસ્પિટલ ખસેડતા તેમનો જીવ બચી ગયો હતો.
આ કેસની તપાસમાં પોલીસે ચોંકાવનારા ખુલાસા કર્યા છે જેમાં જાણવા મળ્યું કે પ્રિયા શર્મા અગાઉથી જ પરિણીત હતી અને શશાંક સાથે આ તેનાં બીજા લગ્ન હતા જેને 4 વર્ષ થયા હતા. પ્રિયા છેલ્લા 7થી 8 મહિનાથી વસુંધરાની ફિટનેસ હેડક્વાર્ટર જીમમાં વર્કઆઉટ કરવા જતી હતી અને ત્યાં જ તેની મુલાકાત જીમ ટ્રેનર પ્રતાપ સિંહ સાથે થઈ હતી. જીમમાં જતાં-જતાં બંને વચ્ચે મિત્રતા ગાઢ પ્રેમ સંબંધમાં બદલાઈ ગઈ અને તેઓ વોટ્સએપ પર પણ વાતો કરવા લાગ્યા હતા. પોલીસ પૂછપરછમાં પ્રતાપે કબૂલાત કરી છે કે આ બંનેએ ભવિષ્યમાં સાથે લગ્ન કરવાનું આયોજન પણ કરી લીધું હતું, પરંતુ પતિ શશાંકને આ સમગ્ર પ્રેમ પ્રકરણની ભનક લાગી ગઈ હતી અને તે દિવાળી પછી ઘર બદલીને અન્ય જગ્યાએ શિફ્ટ થવાની યોજના બનાવી રહ્યો હતો.
પતિ રસ્તામાંથી હટી જાય તે માટે પ્રેમી અને પત્નીએ મળીને તેને ખતમ કરવાનો ખૂની પ્લાન ઘડ્યો હતો અને 25 ઓક્ટોબરની સવારે રનિંગ પર ગયા ત્યારે બંનેએ શશાંકની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. પ્લાન મુજબ બીજા જ દિવસે એટલે કે 26 ઓક્ટોબરની સવારે પ્રતાપ સિંહ હાથમાં ચાકુ લઈને પ્રિયાના ઘરે પહોંચ્યો હતો કારણ કે પ્રિયાએ અગાઉથી જ ઘરનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો જેથી પ્રતાપ સહેલાઈથી અંદર ઘૂસી શક્યો અને શશાંક પર ખૂની હુમલો કરીને ફરાર થઈ ગયો. પોલીસે સક્રિયતા દાખવીને તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને પત્ની પ્રિયા શર્મા તેમજ જીમ ટ્રેનર પ્રતાપ સિંહ બંનેની ધરપકડ કરી લીધી છે તથા આ ગુનામાં વપરાયેલું ચાકુ પણ રિકવર કરી લીધું છે.
