જામનગર જિલ્લામાં બુટલેગરો અને અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા સકંજો કસવામાં આવ્યો છે, ત્યારે કાલાવડ ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે નિકાવા ગામ પાસેથી પસાર થતી એક સીએનજી રિક્ષામાંથી મોટા પ્રમાણમાં દેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં રિક્ષામાં ખૂબ જ ચાલાકીપૂર્વક ગુપ્ત ચોરખાના બનાવીને દારૂની હેરાફેરી થઈ રહી હોવાનું સામે આવ્યું છે. પોલીસે દારૂ અને રિક્ષા સહિત કુલ રૂા. 1,31,000 નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સ્ાથનિક બાતમી મળી હતી કે રાજકોટ તરફથી એક શંકાસ્પદ સીએનજી રિક્ષા આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે નિકાવા ગામની પોલીસ ચોકી સામે રોડ પર સઘન વોચ ગોઠવી હતી. દરમિયાન, બાતમીવાળી લીલા-પીળા રંગની રિક્ષા નંબર જીજે-01-બીએક્સ-4034 ત્યાંથી પસાર થતા પોલીસે તેને રોકીને તલાશી લીધી હતી. રિક્ષાની સઘન તપાસ કરતા પાછળની સીટના પગ રાખવાના ભાગે અને ડેકીમાં વિશેષ ચોરખાના બનાવ્યા હોવાનું જણાયું હતું, જેમાં ખાખી રંગના કેરબરોમાં ભરેલો કુલ 155 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રૂા. 31,000 ની કિંમતનો દારૂ અને રૂા. 1,00,000 ની કિંમતની રિક્ષા કબજે કરી હતી.
આ કેસમાં પોલીસે રાજકોટના ચુનારાવાડ શિવાજીનગર વિસ્તારમાં રહેતા 21 વર્ષિય રિક્ષાચાલક રોહિત માત્રાણિયા અને મવડી પ્લોટ ઈશ્વરનગર વિસ્તારમાં રહેતા 23 વર્ષિય હિરેન ગુપ્તાની ધરપકડ કરી છે. આ બંને શખ્સો રાજકોટથી દારૂનો જથ્થો ભરીને કઈ જગ્યાએ પહોંચાડવાના હતા અને અગાઉ પણ તેઓ આવી કોઈ પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં દારૂની હેરાફેરી કરતા તત્વો સામે પોલીસની આ લાલ આંખથી બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
