મહિલા ક્રિકેટ જગતમાં રોમાંચક માહોલ વચ્ચે WPL 2027 માટેની મિની ઓક્શન સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. આ હરાજીમાં વિવિધ ફ્રેન્ચાઇઝીઓએ પોતાના સ્ક્વોડને મજબૂત કરવા માટે કુલ 25 ખેલાડીઓ પર દાવ લગાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાની સ્ટાર ખેલાડી સોફી મોલિનેક્સ આ ઓક્શનની સૌથી મોંઘી ખેલાડી સાબિત થઈ હતી, જેને યુપી વોરિયર્સે મસમોટી રકમ ચૂકવીને પોતાની ટીમમાં સામેલ કરી હતી. બીજી તરફ, ટીમોએ માત્ર અનુભવી ખેલાડીઓ જ નહીં પરંતુ દેશ-વિદેશના યુવા ટેલેન્ટ પર પણ ભારે ભરોસો દેખાડ્યો હતો, જે આગામી સિઝનને વધુ રોમાંચક બનાવશે.
આ ઓક્શનમાં યુવા ખેલાડીઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું જેમાં ગુજરાત જાયન્ટ્સે દિલ્હીની આક્રમક બેટ્સમેન અને માત્ર 16 વર્ષની સમૈરા રાઘવને તેની ₹10 લાખની બેઝ પ્રાઇસમાં ખરીદી હતી. લાંબા છગ્ગા ફટકારવાની ક્ષમતા ધરાવતી સમૈરા આ ઓક્શનનું મોટું આકર્ષણ રહી હતી. આ ઉપરાંત, કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરતી અને ભારતની અંડર-19 ટીમ માટે રમી ચૂકેલી 15 વર્ષની ઉમા કાશ્વીને દિલ્હી કેપિટલ્સે પોતાની ટીમમાં સામેલ કરી હતી. વિવિધ ટીમોની ખરીદીની વાત કરીએ તો, યુપી વોરિયર્સે સુષ્મા વર્મા, સહાના પવાર, મનાલી દક્ષિણી, કેથરીન બ્રાઇસ, ગ્રેસ હેરિસ, સ્નેહ રાણા, સોફી મોલિનેક્સ અને આશા શોભનાને ખરીદી હતી. ગુજરાત જાયન્ટ્સે જી. કમલિની, સમૈરા રાઘવ અને ઓર્લા પ્રેન્ડરગાસ્ટ પર બોલી લગાવી હતી. દિલ્હી કેપિટલ્સે કિરણ નવગીરે, નજમા ખાન, ઉમા કાશ્વી અને કિર્સ્ટી ગોર્ડનને ખરીદી હતી જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે શ્વેતા સેહરાવત, સાનિકા ચાલકે, દિશા કાસત, લતિકા ઇનામદાર, ભારતી રાવલ અને અક્ષિતા ભગતને ટીમમાં લીધી હતી. આ ઉપરાંત, રોયલ ચેલેન્જર્સ બેંગલોરે વૃંદા દિનેશ, તેજલ હસબનીસ, ચોલ ટ્રોયન અને જેસ જોન્સનને પોતાની સાથે જોડી હતી.
આ હરાજીના અંતે યુપી વોરિયર્સે તેના તમામ 18 ખેલાડીઓનું સ્ક્વોડ પૂરું કરી લીધું છે અને તેમની પાસે હજુ ₹1 કરોડથી વધુ રકમ બાકી છે. જોકે, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર પાસે હજુ એક-એક ખેલાડીનું સ્થાન ખાલી રહ્યું છે જેથી આ બંને ટીમો આગામી સિઝનમાં 17 ખેલાડીઓ સાથે જ મેદાનમાં ઉતરશે. WPL જેવી મોટી લીગમાં આટલી નાની ઉંમરે યુવા ખેલાડીઓને તક મળવી તેમના કરિયર માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે અને આ યુવા ચહેરાઓ મેદાન પર કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
