કોચી ખાતે યોજાયેલી મહિલા પ્રીમિયર લીગ એટલે કે WPL 2027ની હરાજીમાં ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચતી એક મોટી ઘટના સામે આવી છે. દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝીએ માત્ર 15 વર્ષની પ્રતિભાશાળી ઓલરાઉન્ડર ઉમા કાશવી પર દાવ લગાવીને તેને પોતાની ટીમમાં સામેલ કરી લીધી છે. આ સાથે જ ઉમા WPLના સમગ્ર ઇતિહાસમાં હરાજી દ્વારા વેચાયેલી સૌથી નાની ઉંમરની ખેલાડી બનવાનો મોરચો સર કરી લીધો છે. આ અગાઉ ગઇકાલે અંશુ નાગર સૌથી નાની ઉંમરે સિલેક્ટ થનાર ખેલાડી હતી, પરંતુ ઉમા તેના કરતા પણ ઉંમરમાં 3 મહિના નાની સાબિત થઈ છે.
મૂળ કર્ણાટકની રહેવાસી અને શાનદાર ઓલરાઉન્ડર એવી ઉમા કાશવીને દિલ્હી કેપિટલ્સે તેની ₹10 લાખની બેઝ પ્રાઈસ ચૂકવીને ખરીદી છે. 9 એપ્રિલ, 2011ના રોજન્જન્મેલી ઉમા માત્ર 15 વર્ષની જ છે અને તે હરાજી પહેલા જ પોતાની નાની વયના કારણે હેડલાઇન્સમાં છવાયેલી હતી. તેના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો, તેણે તાજેતરમાં જ ભારતીય અંડર-19 ટીમ તરફથી રમતા શ્રીલંકા સામેની 3 T20 મેચમાં 4 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત, તેણે માત્ર 12 વર્ષની ઉંમરે જુનિયર ક્લબ-લેવલની સ્કૂલ ટૂર્નામેન્ટમાં બેવડી સદી ફટકારીને સૌને ચોંકાવી દીધા હતા અને હાલ તે કર્ણાટક અંડર-19 ટીમનો મહત્વનો હિસ્સો છે.
રસપ્રદ વાત એ છે કે થોડા દિવસો પહેલા જ એટલે કે 22 ઓક્ટોબર, 2026ના રોજ નાગપુરના VCA સ્ટેડિયમ ખાતે રમાયેલી અંડર-19 T20 ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ દરમિયાન ઉમા પર વાંદરાએ હુમલો કર્યો હતો. બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડિંગ કરતી વખતે બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો, જેમાં વાંદરો દોડી આવતા તે જમીન પર પડી ગઈ હતી. મેદાન પરની તે અણધારી ઘટના બાદ હવે WPLમાં મળેલી આ મોટી સફળતાથી ઉમાના જીવનમાં એક નવો અધ્યાય શરૂ થયો છે અને આગામી સમયમાં તે મોટા સ્ટેજ પર પોતાનું કૌશલ્ય બતાવવા પૂરી રીતે તૈયાર છે.
