નોકરી દરમિયાન દર મહિને નિયમિત પગાર ખાતામાં જમા થાય છે, પરંતુ નિવૃત્તિ બાદ નિયમિત પગાર બંધ થઈ જતાં ઘરખર્ચ, દવાનો ખર્ચ અને અન્ય જરૂરિયાતો માટે નાણાંનું આયોજન કરવું અત્યંત મહત્વનું બની જાય છે. નિવૃત્ત વરિષ્ઠ નાગરિકોને હંમેશાં એ પ્રશ્ન સતાવતો હોય છે કે હાથમાં આવેલી મોટી રકમ ક્યાં રોકવી જેથી નિયમિત આવક મળતી રહે અને નાણાંની સંપૂર્ણ સુરક્ષા પણ જળવાઈ રહે. આવા સુરક્ષિત રોકાણ માટે કેન્દ્ર સરકારની સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ એટલે કે SCSS એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે, જે નિવૃત્તિ પછી આર્થિક ચિંતાઓ દૂર કરવામાં મોટી મદદ કરે છે.
ઓક્ટોબરથી ડિસેમ્બર 2026 ના ત્રિમાસિક ગાળા માટે આ યોજના પર વાર્ષિક 8.2% નો આકર્ષક વ્યાજદર લાગુ કરવામાં આવ્યો છે. આ દરે જો કોઈ વ્યક્તિ ₹30 લાખનું મહત્તમ રોકાણ કરે છે, તો તેને વાર્ષિક ₹2,46,000 નું વ્યાજ મળે છે અને આ રકમ દર 3 મહિने જમા થતી હોવાથી ખાતાધારકને દર ત્રિમાસિક ગાળે સીધા ₹61,500 મળે છે. જો રોકાણની રકમ મુજબ ગણતરી કરીએ તો ₹5 લાખના રોકાણ પર દર ત્રણ મહિને ₹10,250, ₹10 લાખ પર ₹20,500, ₹15 લાખ પર ₹30,750, ₹20 લાખ પર ₹41,000 અને ₹25 લાખના રોકાણ પર દર ત્રણ મહિને ₹51,250 વ્યાજ મળે છે. સામાન્ય રીતે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિઓ આ યોજના હેઠળ ખાતું ખોલાવી શકે છે, જ્યારે 55 થી 60 વર્ષની વયજૂથના નિવૃત્ત કર્મચારીઓ પણ ચોક્કસ શરતો અનુસાર પાત્ર બને છે અને આ સ્કીમની મુદત 5 વર્ષની હોય છે જેને વધુ 3 વર્ષ માટે લંબાવી શકાય છે.
આ યોજનામાં મળતું વ્યાજ કરપાત્ર હોવાથી ખાતાધારકના આવકવેરાના સ્લેબ મુજબ રકમમાં ફેરફાર થઈ શકે છે અને મુદત પૂરી થાય તે પહેલાં નાણાં ઉપાડવા પર દંડ પણ લાગુ પડે છે. તેથી નિવૃત્તિ પછીની સમગ્ર બચત એક જ સ્કીમમાં રોકવાને બદલે ઇમરજન્સી ખર્ચ માટે થોડી રકમ અલગ રાખવી હંમેશાં હિતાવહ રહે છે. કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં નજીકની પોસ્ટ ઓફિસ અથવા અધિકૃત બેંક શાખામાં જઈને વર્તમાન નિયમો અને વ્યાજદરની પૂરી ખાતરી કરી લેવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન પડે.
