WPLની 2027 માટેની મિની ઓક્શન 28 ઓક્ટોબરે કોચીમાં યોજાઈ હતી, જેમાં ખેલાડીઓની હરાજીનું સંચાલન કરનાર પ્રખ્યાત મહિલા ઓક્શનર મલ્લિકા સાગર ફરી એકવાર લાઈમલાઈટમાં આવ્યા છે. મૂળ મુંબઈના રહેવાસી મલ્લિકા સાગર વ્યવસાયે આર્ટ કલેક્ટર અને આધુનિક તથા સમકાલીન ભારતીય કલાના કન્સલટન્ટ છે. તેઓ છેલ્લા 25 વર્ષથી ઓક્શનના ક્ષેત્ર સાથે સક્રિય રીતે જોડાયેલા છે અને પોતાની કમાલની આવડતથી આ ક્ષેત્રમાં મોટું નામ બનાવ્યું છે.
મલ્લિકા સાગરે ફિલાડેલ્ફિયાની બ્રાયન માવર કોલેજમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને ત્યારબાદ પ્રોફેશનલ ઓક્શનર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ક્રિકેટની દુનિયા સાથે જોડાતા તેમણે IPL અને WPL જેવી મોટી ટૂર્નામેન્ટ્સમાં ખેલાડીઓની બોલી લગાવવાની મહત્વની જવાબદારી સંભાળી છે. ખાસ કરીને IPLના ઇતિહાસમાં મુખ્ય હરાજીનું સંચાલન કરનાર તેઓ પ્રથમ મહિલા ઓક્શનર બન્યા છે, ત્યારથી ક્રિકેટ જગતમાં તેમની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે.
આ મોટી જવાબદારી મળવા અંગે મલ્લિકા સાગરે જણાવ્યું હતું કે તેમના માટે આ ખૂબ જ સન્માનની વાત છે અને મહિલા ક્રિકેટરોને પોતાની પ્રતિભા સાબિત કરવા માટે આવું મોટું મંચ મળે છે તેનો તેમને વિશેષ આનંદ છે. આ હરાજીની પ્રક્રિયાને વધુ સારી રીતે સમજવા માટે તેમણે અગાઉની ઓક્શનના વીડિયો પણ જોયા હતા, કારણ કે તેમના પરિવારની જેમ તેઓ પોતે પણ ક્રિકેટના ખૂબ મોટા ફેન છે. લાંબા અનુભવ અને દમદાર પર્ફોમન્સના જોરે તેમણે સ્પોર્ટ્સની દુનિયામાં એક અનોખી ઓળખ બનાવી છે.
