આપણે જાણીએ છીએ કે ભારતે અગાઉના વર્ષોમાં આઈટી ક્ષેત્રમાં શાનદાર સર્વિસ બૂમ સર્જીને આખી દુનિયામાં ડંકો વગાડ્યો હતો, પરંતુ હવે ટેકનોલોજીની દુનિયામાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એટલે કે આઈએમએફના અધિકારી ક્રિષ્ણા શ્રીનિવાસને તાજેતરમાં ટેકનોલોજી અને રોજગારને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા મુજબ આવનારા સમયમાં એઆઈ ટેકનોલોજીના કારણે પરંપરાગત અને પાયાની કોડિંગની નોકરીઓ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે અને તે કામો નાશ પામી શકે છે.
આઈએમએફના ક્રિષ્ણા શ્રીનિવાસને સ્પષ્ટ કર્યું છે કે એઆઈના કારણે ભલે કોડિંગ ક્ષેત્રે જૂની નોકરીઓ જતી રહે, પરંતુ તેનો અર્થ એ નથી કે યુવાનોએ નિરાશ થવાની જરૂર છે. જે કર્મચારીઓ અને પ્રોફેશનલ્સ સમયની માંગ ઓળખીને જાતને બદલાતા સંજોગો પ્રમાણે ઢાળશે અથવા એઆઈ મુજબ અપડેટ કરશે, તેમને માર્કેટમાં નવી નોકરીઓ અને શાનદાર તકો ચોક્કસપણે મળી રહેશે. આ સ્થિતિ ટેકનોલોજી સેક્ટરમાં કામ કરતા લોકો માટે એક નવો પડકાર અને સાથેસાથે નવી દિશા પણ ખોલી રહી છે.
આગામી સમયમાં આઈટી અને ટેકનોલોજી ઈન્ડસ્ટ્રીએ એઆઈની આ આંધી સામે ટકવા માટે પોતાના વર્કફોર્સને રી-સ્કિલિંગ અને અપ-સ્કિલિંગ કરવાની જરૂર પડશે. ભારતીય આઈટી સેક્ટરે ભૂતકાળમાં પણ અનેક મોટા પડકારોને સફળતાપૂર્વક પાર કર્યા છે ત્યારે આ નવા બદલાવને સ્વીકારીને ટેલેન્ટેડ યુવાનો ફરી એકવાર નવી તકો ઝડપી લેવા માટે તૈયાર થઈ રહ્યા છે. સમયની ચાલ સાથે કદમ મિલાવનારાઓ માટે ભવિષ્યમાં પણ રોજગારીના દ્વાર ખુલ્લા જ રહેશે.
