ટ્રેનની મુસાફરી દરમિયાન મોબાઈલ અને લેપટોપ ચાર્જ કરવા માટે રાહત આપતી રેલવે હવે રાત્રિના સમયે આ સુવિધા પર કાપ મુકવા જઈ રહી છે. રેલવે બોર્ડ દ્વારા તમામ રેલવે ઝોનને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે કે ટ્રેનના કોચમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી મોબાઈલ અને લેપટોપના ચાર્જિંગ પોઈન્ટ ફરજિયાત બંધ રાખવામાં આવે. તાજેતરમાં સાઉથ ઈસ્ટર્ન રેલવેમાં રાત્રિના સમયે ઓનબોર્ડ સ્ટાફે ચાર્જિંગ પોઈન્ટ બંધ ન કરતાં એક મુસાફરનો પાવર બેંક બ્લાસ્ટ થયો હતો અને ધુમાડો નીકળ્યો હતો, જેને પગલે રેલવે પ્રશાસન એલર્ટ થઈ ગયું છે. આ ઘટના બાદ રેલવે બોર્ડે 26 ઓક્ટોબરના રોજ પત્ર પાઠવીને 2014ના જૂના આદેશનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ કર્યો છે અને આ નિયમમાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં તેવું સ્પષ્ટ કર્યું છે.
અસલમાં આ નિયમનો ઇતિહાસ વર્ષ 2013ની એક ગંભીર દુર્ઘટના સાથે જોડાયેલો છે, જ્યારે હઝુર સાહિબ નાંદેડ-કેએસઆર બેંગ્લોર એક્સપ્રેસના AC 3-ટીયર કોચમાં આગ લાગી હતી. ત્યારબાદ કમિશનર ઓફ રેલવે સેફ્ટીની ભલામણના આધારે જૂન 2014માં પ્રથમવાર રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી ચાર્જિંગ પોઈન્ટ બંધ રાખવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત નવેમ્બર 2023માં દિલ્હી-દરભંગા હમસફર ક્લોન સ્પેશિયલના સ્લીપર કોચમાં પણ આગ લાગવાની ઘટના બની હતી. રેલવે ઝોનનું એવું પણ માનવું છે કે રાત્રે ચાર્જિંગ પોઈન્ટ ચાલુ રાખવાથી અડધી રાતે મોબાઈલ ચોરી થવાના જોખમો પણ વધી જાય છે. આ મામલે રેલવે અધિકારીઓને સંબંધિત સ્ટાફને ટ્રેનિંગ આપવા અને નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવા માટે સરપ્રાઈઝ ઇન્સ્પેક્શન કરવાનો આદેશ અપાયો છે.
આ નવા નિર્દેશો પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોની સેફ્ટી અને આગ જેવી દુર્ઘટનાઓને અટકાવવાનો છે. રાત્રિના સમયે લાંબા સમય સુધી વગર દેખરેખના મોબાઈલ કે પાવર બેંક ચાર્જ થવાને કારણે શોર્ટ સર્કિટ કે બ્લાસ્ટનું જોખમ વધી જાય છે, જેને ધ્યાનમાં રાખીને આ 6 કલાકનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રેલવે દ્વારા તમામ AC કોચમાં નિયત જગ્યાએ આ અંગેના સ્ટીકરો પણ લગાવવા માટે કહેવામાં આવ્યું છે જેથી મુસાફરોને અગાઉથી જ જાણકારી મળી રહે. મુસાફરોની સુરક્ષા સાથે હવે કોઈ જ ક્ષતિ ચલાવી લેવામાં નહીં આવે અને જો ઓનબોર્ડ સ્ટાફ નિયમનું પાલન કરવામાં બેદરકારી દાખવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
