આજના વ્યસ્ત સમયમાં હેલ્થ સાચવવી મુશ્કેલ બનતી જાય છે ત્યારે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવા માટે એકદમ સરળ ઉપાય સામે આવ્યો છે. BMJ Open Sport & Exercise Medicine માં પબ્લિશ થયેલા રિસર્ચ મુજબ, કોઈ પણ મોંઘા સાધનો કે જીમ વગર ફક્ત દીવાલના ટેકે કરાતી વોલ સ્ક્વોટ્સ જેવી કસરત હાઇ બ્લડ પ્રેશર ઘટાડવામાં કારગર સાબિત થઈ શકે છે. આ એક પ્રકારની આઇસોમેટ્રિક કસરત છે, જેમાં શરીરને ચોક્કસ સ્થિતિમાં જકડી રાખીને મસલ્સ પર દબાણ આપવામાં આવે છે. આમાં વોલ સ્ક્વોટ્સ, પ્લેંક અને હેન્ડગ્રીપ જેવી કસરતોનો સમાવેશ થાય છે, જે કરવાથી ટૂંકા ગાળામાં જ બ્લડ પ્રેશર ઘટાડવામાં નોંધપાત્ર ફાયદો જોવા મળ્યો છે.
આ રિસર્ચ માટે 37.4 વર્ષની સરેરાશ ઉંમર ધરાવતા 100 એડલ્ટ્સને સામેલ કરવામાં આવ્યા હતા, જેમનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 120 થી 140 mmHg ની વચ્ચે હતું. આ તમામ પાર્ટિસિપન્ટ્સને જુદા જુદા ગ્રૂપમાં વહેંચીને ચાર અઠવાડિયા સુધી ઘરમાં જ અઠવાડિયામાં 3 વખત ચાર વોલ સ્ક્વોટ હોલ્ડની કસરત કરાવવામાં આવી હતી. દરેક હોલ્ડ વચ્ચે બે મિનિટનો આરામ રખાતો હતો. ત્યારબાદના ચાર અઠવાડિયા માટે એક ગ્રૂપે અઠવાડિયામાં 3 વખત કસરત ચાલુ રાખી, બીજાએ ઘટાડીને 2 વખત કરી, ત્રીજાએ અઠવાડિયામાં ફક્ત 1 જ વાર કરી અને ચોથા ગ્રૂપે કસરત કરવાનું સંપૂર્ણ બંધ કરી દીધું હતું. 8 અઠવાડિયાના અંતે રિસર્ચર્સે નોંધ્યું કે જે લોકોએ અઠવાડિયામાં 1 કે 2 વાર કસરત ચાલુ રાખી હતી તેમનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહ્યું હતું.
જોકે, સૌથી વધુ ફાયદો એ લોકોને થયો જેમણે અઠવાડિયામાં નિયમિત 3 વખત વોલ સ્ક્વોટ્સ ચાલુ રાખ્યા હતા,િટ્સનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર એવરેજ 13.73 mmHg ઘટી ગયું હતું. જ્યારે અઠવાડિયામાં બે વાર કરનારાઓનું પ્રેશર 6.95 mmHg અને એક વાર કરનારાઓનું 6.56 mmHg ઘટ્યું હતું. આનાથી વિપરીત, જે લોકોએ ચાર અઠવાડિયા પછી કસરત કરવાનું એકદમ બંધ કરી દીધું હતું તેમના બ્લડ પ્રેશરના ફાયદા ગાયબ થઈ ગયા હતા અને રીડિંગ્સ ફરી પહેલા જેવા થઈ ગયા હતા. રિસર્ચર્સનું કહેવું છે કે સમયના અભાવવાળા લોકો માટે ઓછી ફ્રિક્વન્સીવાળી આ કસરત ટૂંકા ગાળા માટે ઉત્તમ વિકલ્પ છે, પરંતુ લાંબા ગાળાના ફાયદા માટે નિયમિત કસરત જરૂરી છે.
