સુરત મહાનગરપાલિકાના વરાછા બી ઝોન અંતર્ગત આવતા મોટા વરાછા વિસ્તારમાં તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. દુખિયાના દરબાર રોડ પર આવેલા એક ગ્રાઉન્ડમાં શહેરમાંથી નીકળતો ગાર્ડન વેસ્ટનો મોટો જથ્થો નિયમ મુજબ નિકાલ કરવાના બદલે એક જગ્યાએ ભેગો કરવામાં આવી રહ્યો છે. આ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવાના બદલે તેને જાહેરમાં સળગાવી દેવામાં આવતો હોવાની પ્રબળ આશંકા સ્થાનિક સ્તરે વ્યક્ત થઈ રહી છે, જેના કારણે આ વિસ્તારમાં કચરા કૌભાંડ ચાલતું હોવાની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે.
આ ગંભીર બેદરકારીના કારણે ગત રાત્રે આ ગાર્ડન વેસ્ટના જથ્થામાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. સ્થિતિ એટલી હદે વણસી હતી કે ફાયર વિભાગની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જવાની ફરજ પડી હતી. ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવા માટે આખી રાત ભારે જહમત ઉઠાવવી પડી હતી અને સવાર સુધી સ્થળ પર કૂલિંગની કામગીરી ચાલુ રાખવી પડી હતી. ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા 2 મહિનામાં જ આ જ સ્થળે 3થી 4 વખત આગ લાગવાની ઘટનાઓ બની ચૂકી છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
આ વારંવાર બનતી ઘટનોઓને કારણે કચરાના નિકાલની સમગ્ર કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ જોર પકડી રહી છે. ડેપ્યુટી કમિશનર નિધિ સીવાચના વરાછા બી ઝોનમાં જ આ પ્રકારની શંકાસ્પદ સ્થિતિ સામે આવતા હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે તંત્ર આ મામલે આંખ આડા કાન કરે છે કે પછી કોન્ટ્રાક્ટર સામે કોઈ લાલ આંખ કરીને કડક એક્શન લે છે.
