જ્યારે પણ નકામી વસ્તુઓનો નિકાલ કરવાની વાત આવે ત્યારે આપણને સામાન્ય રીતે કચરાના ઢગલા કે સ્ક્રેપ યાદ આવે છે, પરંતુ નોર્થ કેરોલિનાના મરીન બાયોલોજિસ્ટ્સે આ કચરાને સમુદ્રના તળિયે એક અંડરવોટર હાઉસિંગ એસ્ટેટમાં ફેરવી નાખ્યો છે. આ અવિશ્વસનીય પ્રોજેક્ટ અંતર્ગત સમુદ્રના તળિયે એવી જગ્યાઓ તૈયાર કરવામાં આવી છે જે કુદરતી ઇકોસિસ્ટમને બરાબર ટક્કર આપે છે. નકામા પદાર્થોનો આ પ્રકારનો ઉપયોગ માત્ર પર્યાવરણને બચાવવામાં જ મદદ નથી કરતો, પરંતુ દરિયાઈ જીવો માટે એક સુરક્ષિત ઘર પણ પૂરું પાડે છે.
આ અનન્ય પ્રોજેક્ટની શરૂઆત કરતાં 2020માં અમેરિકન નામના ટગબોટને જાન્યુઆરીમાં અને અમેરિકા નામના ટગબોટને એપ્રિલમાં સમુદ્રમાં ડૂબાડવામાં આવ્યા હતા. નોર્થ કેરોલિના ડિપાર્ટમેન્ટ ઓફ એનવાયર્નમેન્ટલ ક્વોલિટીના અહેવાલ મુજબ 7,200 ટન કોંક્રીટ પાઇપ પાણીમાં નાખીને AR-165 સાઇટ બનાવવામાં આવી હતી અને ત્યારબાદ 2021માં વેલી ફોર્જ નામની વધુ એક 108 ફૂટ લાંબી ટગબોટ પણ પાણીમાં ઉતારવામાં આવી હતી. આ ટગબોટ ઊંચી ઇમારતો જેવું કામ કરે છે જ્યારે કોંક્રીટ પાઇપ લો-રાઇઝ બિલ્ડિંગ્સ અને સપ્ટેમ્બર 2022માં મૂકવામાં આવેલા 532 કોંક્રીટ રીફ બોલ્સ વચ્ચેના બ્લોક્સની જેમ માછલીઓ માટે એક પરફેક્ટ સ્કાયલાઇન રચે છે, જ્યાં ગ્રેટર એમ્બરજૅક, સ્પેનિશ મૅકરેલ અને બ્લેક સી બાસ જેવી અનેક પ્રકારની માછલીઓ વસવાટ કરે છે.
વૈજ્ઞાનિકો લાંબા સમયથી ચર્ચા કરી રહ્યા છે કે શું આ આર્ટિફિશિયલ રીફ ખરેખર માછલીઓની વસ્તી વધારે છે કે પછી માત્ર તેમને એકઠી કરે છે. તાજેતરના રિસર્ચ દર્શાવે છે કે આ સ્ટ્રક્ચર્સ કુદરતી રીફ જેવા જ ફિશ કમ્યુનિટીને સપોર્ટ કરે છે. નોર્થ કેરોલિનાનો આ રીફ પ્રોગ્રામ ખૂબ જ મોટો છે અને મરીન ફિશરીઝ ડિવિઝન કિનારે અંદાજે 68 આર્ટિફિશિયલ રીફ મેન્ટેન કરે છે, જેમાં AR-165 સૌથી આગળ છે. આ અદભુત પહેલ સાબિત કરે છે કે આપણે જે કચરો સમજીને ફેંકી દઈએ છીએ તે પ્રકૃતિ અને જળચર સૃષ્ટિ માટે વરદાન સાબિત થઈ શકે છે.
