વડોદરા શહેરમાં સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સાથેડાં કરતા તત્વો સામે પોલીસ તંત્ર દ્વારા હવે લાલ આંખ કરવામાં આવી છે. શહેરમાં SOG ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં આવેલા શ્રીનાથપુરમ ખાતે ધમધમતા એક ગેરકાયદે ક્લિનિક પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસને મોટી સફળતા મળી હતી અને જાણવા મળ્યું હતું કે કોઈ પણ પ્રકારની માન્ય તબીબી ડિગ્રી કે લાયકાત વગર જ એક ઇસમ લોકોના જીવન સાથે સીધો ખેલ કરી રહ્યો હતો.
પકડાયેલા આરોપીની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે આ બોગસ ડોક્ટર દિનેશ પરમાર માત્ર 10મું ધોરણ જ પાસ છે. આમ છતાં, તે શ્રીનાથપુરમ અને છાણી વિસ્તારના સાંઈનાથ ક્લિનિકમાં બેસીને બિન્દાસપણે દર્દીઓની તપાસ કરતો હતો અને તેમને જોખમી એલોપેથી દવાઓ તથા સારવાર આપતો હતો. આ પ્રકારે કોઈ પણ અભ્યાસ વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા આ ઈસમની કરતૂત સામે આવતા સ્થાનિક રહીશો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
દરોડા દરમિયાન SOG ની ટીમે ક્લિનિકમાંથી ગેરકાયદેસર એલોપેથી દવાઓ, મેડિકલ સાધનો અને અન્ય સામગ્રી સહિત કુલ રૂ. 20,000 નો મુદ્દામાલ જપ્ત કરીને આરોપી દિનેશ પરમારની સ્થળ પર જ ધરપકડ કરી લીધી હતી. હાલ પોલીસ દ્વારા એ તપાસ કરવામાં આવી રહી છે કે આ ઈસમ છેલ્લા કેટલા સમયથી આ ગેરકાયદે ધંધો ચલાવતો હતો અને આ રેકેટમાં તેની સાથે અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે નહીં.
