ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં આવેલા ફોરટ્રેક હાઈવે પર રક્તરંજિત હિટ એન્ડ રનની એક અત્યંત ગમખ્વાર ઘટના સામે આવી છે. ઉના નજીક આવેલા નાથડ ગામ પાસે પુરપાટ ઝડપે દોડતી એક બેકાબૂ ટ્રકે આગળ જઈ રહેલા બાઈકને પાછળથી પ્રચંડ ટક્કર મારી દીધી હતી. ટ્રકની આ જોરદાર ટક્કર વાગતાં જ બાઈક કાબૂ બહાર થઈને આગળ જતી પેસેન્જર ઓટોરિક્ષા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ત્રિપલ અકસ્માતમાં બાઈક પર સવાર એક યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બાઈક પર સવાર અન્ય એક મહિલા અને યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ભયાનક અકસ્માતને પગલે હાઈવે પર થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.
નાથડ ગામ પાસે બનેલી આ દુર્ઘટનામાં માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થવાના કારણે બાઈક પર સવાર 20 થી 22 વર્ષીય યુવતીનું સ્થળ પર જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. આ ભયાનક ટક્કરને કારણે રોડ પર પટકાયેલા અન્ય એક મહિલા અને યુવાન લોહીલુહાણ હાલતમાં માર્ગ પર તરફડી રહ્યા હતા, જેને જોઈને ત્યાંથી પસાર થતા જાગૃત વાહનચાલકોએ માનવતા દાખવીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. ઈજાગ્રસ્ત બ બંને વ્યક્તિઓને ત્વરિત સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવને લઈને મૃતક અને ઈજાગ્રસ્તોના પરિવારજનોમાં ભારે શોક વ્યાપી ગયો છે.
આટલો મોટો અકસ્માત સર્જ્યા બાદ પણ બેફામ બનેલો ટ્રકચાલક માનવતા નેવે મૂકીને પોતાનું વાહન રોક્યા વિના પુરઝડપે નાસી છૂટ્યો હતો. જોકે, આ હિટ એન્ડ રનની ઘટના નજરે જોનારા રોષે ભરાયેલા પાછળ આવતા બાઈક અને કાર સવારોએ સેકન્ડોનો પણ વિલંબ કર્યા વિના ટ્રકનો ફિલ્મી ઢબે પીછો કરવાનું શરૂ કર્યું હતું. અનેક કિલોમીટર સુધી ફિલ્મી ડ્રામાની જેમ પીછો કર્યા બાદ ઉના બાયપાસ પર આવેલા વરસિંગપુર ગામના રેલવે ફાટક નજીક ટ્રાફિક વચ્ચે લોકોએ પોતાની ગાડીઓ ટ્રક આગળ આડી મૂકીને તેને ચારેય બાજુથી ઘેરી લીધી હતી. ગુસ્સે ભરાયેલા લોકોએ નાસી છૂટવા મથતા ટ્રકચાલકને નીચે ખેંચીને મેથીપાક ચખાડ્યો હતો અને બાદમાં તેને પોલીસને સોંપવાની કડક તજવીજ હાથ ધરી હતી.
