JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કૃષિ

ગાંધીનગરના ડભોડા પંથકમાં રાત્રિ દરમિયાન ભૂંડના ટોળાંનું આક્રમણ: મહામહેનતે પકવેલા પાકનો સોથ વળતાં ખેડૂતો બેહાલ

Oct 05, 2026 | 04:35 | By JAMNAGAR MIRROR
ગાંધીનગરના ડભોડા પંથકમાં રાત્રિ દરમિયાન ભૂંડના ટોળાંનું આક્રમણ: મહામહેનતે પકવેલા પાકનો સોથ વળતાં ખેડૂતો બેહાલ

ગાંધીનગર જિલ્લાના ડભોડા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ભૂંડોના ભારે ઉપદ્રવને કારણે સ્થાનિક ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે. ડભોડાની સીમ વિસ્તાર સહિત ગામ નજીક આવેલા ખેતરોમાં રાત્રિના અંધકારનો લાભ લઈને ભૂંડના મોટા ટોળાં ધસી આવે છે અને ખેડૂતોએ રાત-દિવસ એક કરીને લોહી-પાણી એક કરી પકવેલા ઊભા પાકને ગણતરીના કલાકોમાં નષ્ટ કરી રહ્યા છે. ખાસ કરીને શાકભાજી તેમજ અન્ય રોકડિયા પાકોને ભૂંડો દ્વારા ખાઈ જવાની અને પગ તળે કચડી નાખવાની ઘટનાઓ વધતાં ધરતીપુત્રોને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ડભોડાના સીમ વિસ્તાર ઉપરાંત અયોધ્યાનગરની પાછળ આવેલા ખેતરો તેમજ સ્થાનિક પ્રાથમિક શાળાની પાછળના ભાગમાં આ ત્રાસ અસહ્ય બની ગયો છે. માત્ર ખેતરો જ નહીં, પરંતુ ભૂંડના ટોળાં દિવસ દરમિયાન પ્રાથમિક શાળાના પ્રાંગણમાં પણ ઘૂસી જાય છે અને ત્યાં ઉગાડેલા ફૂલછોડ તથા વૃક્ષોને ભારે નુકસાન પહોંચાડે છે. આ ઉપદ્રવી પ્રાણીઓ ખેતરોની રક્ષણાત્મક વાડ નીચે મોટા ખાડા ખોદીને અંદર પ્રવેશ કરી જાય છે. ખેતરો સિવાય રહેણાંક વિસ્તારોમાં પણ આ ટોળાં અડિંગો જમાવીને ફરતા હોવાથી ગ્રામજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભૂંડના આ આતંકથી કંટાળી ગયેલા ખેડૂતો હવે લાચારી અનુભવી રહ્યા છે. પોતાના મહામૂલા પાકને બચાવવા માટે ખેડૂતોને દેવું કરીને પણ ખેતરની ફરતે મોંઘી તાર ફેન્સિંગ કરવાની ફરજ પડી રહી છે. આટલું ઓછું હોય તેમ, પાકની રક્ષા કાજે કડકડતી ઠંડી વચ્ચે ખેડૂતોને આખી રાત ખેતરોમાં જાગરણ કરીને પહેરો ભરવો પડી રહ્યો છે. ખેડૂતોની આર્થિક કમર તોડતા આ ગંભીર પ્રશ્ને વન વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક દરમિયાનગીરી કરી ભૂંડોના ત્રાસમાંથી કાયમી છુટકારો અપાવે તેવી પ્રબળ લોકલાગણી ઉઠી છે.

LATEST ARTICLES