JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

મેક્સિકોની 17 વર્ષની તેજસ્વી સ્ટુડન્ટે બનાવી અદ્ભુત ડિવાઈસ, અવાજના મોજાથી ઓલવાઈ જશે આગ

Oct 28, 2026 | 13:20 | By JAMNAGAR MIRROR
મેક્સિકોની 17 વર્ષની તેજસ્વી સ્ટુડન્ટે બનાવી અદ્ભુત ડિવાઈસ, અવાજના મોજાથી ઓલવાઈ જશે આગ
મેક્સિકોની ૧૭ વર્ષની સ્ટુડન્ટ એંગેલા કરીમેએ અવાજના મોજા એટલે કે સાઉન્ડ વેવ્સથી આગ ઓલવતું અદ્ભુત ડિવાઈસ વરટેક્સ ટેક બનાવ્યું છે. આ શોધ માટે તેને ઇન્ડોનેશિયામાં યોજાયેલી ઇન્ટરનેશનલ સાયન્સ એન્ડ ઇન્વેન્શન ફેયર 2026માં ગોલ્ડ મેડલ મળ્યો છે. આ ટેકનોલોજી ભવિષ્યમાં આગ ઓલવવાની રીતો બદલી નાખવા માટે સક્ષમ સાબિત થઈ શકે છે.

મેક્સિકોની રહેવાસી ૧૭ વર્ષની સ્ટુડન્ટ એંગેલા કરીમે વેનેગાસ હર્નાન્ડીઝે દુનિયાને ચોંકાવી દે તેવી એક કમાલ કરી બતાવી છે. તેણે વરટેક્સ ટેક નામનું એક એવું ડિવાઈસ તૈયાર કર્યું છે જે પાણી, ફોમ કે કેમિકલ વગર માત્ર અવાજના મોજા એટલે કે સાઉન્ડ વેવ્સની મદદથી નાની આગને સળગતી અટકાવી શકે છે અને ઓલવી શકે છે. આ શાનદાર પ્રોજેક્ટ માટે તેને ઇન્ડોનેશિયામાં 14 થી 16 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાયેલી ઇન્ટરનેશનલ સાયન્સ એન્ડ ઇન્વેન્શન ફેયર સ્પર્ધામાં ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડિયોમાંથી પ્રેરણા લઈને તેણે આ અનોખો પ્રયોગ શરૂ કર્યો હતો.

આ ડિવાઈસ કેવી રીતે કામ કરે છે તેની વાત કરીએ તો, વરટેક્સ ટેક આશરે 30 હર્ટ્ઝની ફ્રિક્વન્સીવાળા સાઉન્ડ વેવ્સનો ઉપયોગ કરીને આગની આસપાસ હવાની હિલચાલ પેદા કરે છે. આ સિસ્ટમમાં 12 વોલ્ટની બેટરી, ફ્રિક્વન્સી જનરેટર, એમ્પ્લીફાયર, સ્પીકર અને એક મોડિફાઈડ કન્ટેનરનો સમાવેશ થાય છે. જ્યારે આ અવાજના મોજા આગ તરફ છોડવામાં આવે છે ત્યારે તે હવામાં વોર્ટેક્સ રિંગ્સ બનાવે છે, જે આગને ઓક્સિજન મળતો અટકાવે છે અને દહન પ્રક્રિયા તોડી નાખે છે. આ આખો પ્રોજેક્ટ તૈયાર કરવામાં તેને લગભગ 1 વર્ષનો સમય લાગ્યો હતો અને તેના કાકા જોસે આર્ટુરો હર્નાન્ડીઝ મુનોઝના માર્ગદર્શન હેઠળ તેણે કુલ 5 પ્રોટોટાઇપ બનાવ્યા હતા, જેમાંથી પાંચમું વર્ઝન સૌથી સફળ રહ્યું હતું.

આ અદ્ભુત સફળતા બાદ તેને IYSA સેમી ગ્રાન્ડ અવોર્ડ પણ મળ્યો છે, જેના કારણે તેને ડિસેમ્બરમાં યોજાનારી ઇન્ડોનેશિયા ઇન્ટરનેશનલ અપ્લાય્ડ સાયન્સ પ્રોજેક્ટ ઓલિમ્પિયાડમાં ભાગ લેવાની તક મળશે. જોકે, આ એક પ્રાયોગિક પ્રોટોટાઇપ છે અને તેને સર્ટિફાઇડ ફાયર એક્સટિંગ્વિશર કે બજારમાં ઉપલબ્ધ સાધનોનો વિકલ્પ માની શકાય નહીં. મોટા પાયે આગ પર કાબૂ મેળવવા માટે આ ટેકનોલોજીનું હજુ વધુ સ્વતંત્ર પરીક્ષણ થવું જરૂરી છે. પરંતુ એક સ્ટુડન્ટ દ્વારા સાયન્સના પાયાના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને આ પ્રકારનું ડિવાઈસ બનાવવું એ ટેકનોલોજીની દુનિયામાં એક મોટી સિદ્ધિ ગણવામાં આવી રહી છે.

LATEST ARTICLES