JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

સુરતમાં ભેળસેળ સામે ભાજપના જ ધારાસભ્યનો મોરચો, મોડેથી આવતા રિપોર્ટ્સને ગણાવ્યા નાટક

Oct 28, 2026 | 12:35 | By JAMNAGAR MIRROR
સુરતમાં ભેળસેળ સામે ભાજપના જ ધારાસભ્યનો મોરચો, મોડેથી આવતા રિપોર્ટ્સને ગણાવ્યા નાટક
સુરતના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રીને પત્ર લખીને વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે તહેવારોમાં લોકો મીઠાઈ-ફરસાણ ખાઈ ગયા પછી રિપોર્ટ્સ આવે છે, જે માત્ર એક નાટક છે. તેમણે ભેળસેળ કરનારાઓ સામે સીધો માનવ વધનો ગુનો નોંધવા અને ભ્રષ્ટ અધિકારીઓને નોકરીમાંથી ડિસમિસ કરવાની માંગ કરી છે.

સુરતમાં અવારનવાર પોતાના જ પક્ષની સરકાર અને વહીવટી તંત્ર સામે બેફામ સવાલો ઉઠાવવા માટે જાણીતા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી એકવાર મોરચો ખોલ્યો છે. તેમણે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફૂલ્લ પાનશેરિયાને પત્ર લખીને નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના વેચાણ અંગે ફૂડ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ખડા કર્યા છે. કાનાણીએ પત્રમાં આક્ષેપ કર્યો છે કે આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા ચેકિંગના નામે માત્ર દેખાડો કરવામાં આવે છે, કારણ કે તહેવારોની સિઝનમાં લોકો બજારમાંથી મીઠાઈ અને ફરસાણ ખરીદીને ખાઈ જાય છે અને તેના મહિનાઓ પછી લેબના રિપોર્ટ્સ બહાર આવે છે, જે આખી તપાસ પ્રક્રિયાને એક નાટક સમાન સાબિત કરે છે.

આ પત્રમાં ધારાસભ્યએ માત્ર ખાદ્ય પદાર્થો જ નહીં પરંતુ બજારમાં બેફામ ચાલી રહેલા અન્ય ગોરખધંધા પર પણ ધ્યાન દોર્યું છે. તેમણે કહ્યું છે કે તંત્રની કાગળ પરની કામગીરીના કારણે જ બજારમાં નકલી ડોક્ટરો, નકલી દવાઓ તેમજ ઘી, દૂધ, તેલ, પનીર, માવો અને મસાલા જેવી રોજિંદી ઉપયોગની ચીજવસ્તુઓમાં ખુલ્લેઆમ ભેળસેળ થઈ રહી છે. આ પ્રકારની ગેરરીતિઓ આચરનારા ભ્રષ્ટ અને કામચોર અધિકારીઓ સામે માત્ર સસ્પેન્શન કે બદલી જેવા સામાન્ય દંડનાત્મક પગલાં લેવાને બદલે તેમને સીધા નોકરીમાંથી કાયમી ધોરણે ડિસમિસ કરીને ઘરે બેસાડી દેવા જોઈએ તેવી પ્રબળ માંગ તેમણે કરી છે.

લોકોના સ્વાસ્થ્ય અને જિંદગી સાથે ચેડાં કરતા તત્વો સામે આક્રમક વલણ અપનાવતા કિશોર કાનાણીએ માંગ કરી છે કે આવા નકલી અને ભેળસેળિયા માફિયાઓ સામે સીધો માનવ વધનો ગુનો નોંધી શકાય તેવો કડક કાયદો સરકારે અમલમાં લાવવો જોઈએ. તેમણે સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી આવા ખતરનાક અપરાધીઓ સામે કાયદાનું કડક હથિયાર નહીં ઉગામવામાં આવે, ત્યાં સુધી આરોગ્ય તંત્રને સુધારવાની આ લડાઈ જીતી શકાશે નહીં અને સામાન્ય જનતાના સ્વાસ્થ્યની રક્ષા કરવી મુશ્કેલ બનશે. નોંધનીય છે કે રાજ્યમાં સેમ્પલ લીધા પછી 1 કે 2 મહિનાના લાંબા અંતરાલ બાદ રિપોર્ટ આવવાની સિસ્ટમ સામે પણ તેમણે ભારે રોષ વ્યક્ત કર્યો છે.

LATEST ARTICLES